<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

બ્રિક્સ બજારમાં ઉત્તર પ્રદેશનો ડંકો, સભ્ય અને સહયોગી દેશોમાં ૪૭,૪૮૪ કરોડ રૂપિયાની નિકાસ નોંધાઈ હોવાનો દાવો

અમીરાત સૌથી મોટું બજાર, વિયેતનામ-મલેશિયામાં વધ્યો દબદબો; યંત્રો, વસ્ત્રો, ચામડાં અને આભૂષણોએ વિશ્વના વિશાળ બજારમાં યુપીની નિકાસને નવી પાંખો આપી

લખનઉ, તા. ૧૩ : ઉત્તર પ્રદેશે બ્રિક્સના સભ્ય અને સહયોગી દેશોના બજારમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. ઉપલબ્ધ નિકાસ આંકડા પ્રમાણે રાજ્યમાંથી આ દેશોમાં કુલ ૪૭,૪૮૪ કરોડ રૂપિયાની વસ્તુઓ મોકલાઈ છે. આ રકમ ઉત્તર પ્રદેશની લગભગ બે લાખ કરોડ રૂપિયાની કુલ નિકાસના ૨૩.૭ ટકા જેટલી થાય છે. બ્રિક્સના સભ્ય દેશોમાં ૩૪,૮૧૧ કરોડ અને સહયોગી દેશોમાં ૧૨,૬૭૩ કરોડ રૂપિયાની નિકાસ નોંધાઈ છે.

 

સભ્ય દેશોમાં સંયુક્ત આરબ અમીરાત ૧૫,૧૩૩ કરોડ રૂપિયાની ખરીદી સાથે ઉત્તર પ્રદેશનું સૌથી મોટું બજાર બન્યું છે. ત્યારબાદ સાઉદી અરેબિયામાં ૪,૯૩૮ કરોડ, ઇજિપ્તમાં ૩,૮૪૮ કરોડ, ઇન્ડોનેશિયામાં ૨,૬૭૦ કરોડ, ચીનમાં ૨,૪૯૭ કરોડ અને બ્રાઝિલમાં ૨,૨૦૯ કરોડ રૂપિયાની નિકાસ થઈ છે.

 

સહયોગી દેશોમાં વિયેતનામને ૫,૯૪૯ કરોડ અને મલેશિયાને ૩,૭૪૦ કરોડ રૂપિયાનો માલ મોકલાયો છે. ઉઝબેકિસ્તાન, થાઇલેન્ડ, નાઇજીરિયા, યુગાન્ડા, કઝાકિસ્તાન અને બેલારુસ સહિતનાં બજારોમાં પણ રાજ્યની વસ્તુઓ પહોંચી છે.

 

નિકાસમાં વીજ ઉપકરણો, યાંત્રિક સાધનો, તૈયાર વસ્ત્રો, ચામડાની વસ્તુઓ, ગાલીચા, ખાદ્ય ઉત્પાદનો, કિંમતી-અર્ધકિંમતી પથ્થરો અને આભૂષણોનો મુખ્ય હિસ્સો છે. ‘એક જિલ્લો, એક ઉત્પાદન’ યોજનાથી સ્થાનિક કારીગરો અને પરંપરાગત ઉત્પાદનોને વિદેશી બજાર સાથે જોડવામાં મદદ મળી હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે.

(1:42 PM IST)