<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

હિમાચલના શિમલામાં કાર ખીણમાં ખાબકતા માતા-પુત્ર સહિત 5 ના મોત, ઘાસ કાપવા જતા થયો અકસ્માત

પાનું નાળા પાસે દારોટી વિસ્તારમાં સવારે 8.30 વાગ્યે ગોઝારો અકસ્માત: ચારના ઘટનાસ્થળે જ મોત, 1 નું બાદમાં મૃત્યુ, CM સુખુએ શોક વ્યક્ત કર્યો

શિમલા તા.૩૧ : હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રોહરૂ સબ-ડિવિઝનમાં આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. શિમલાના દારોટી-ટિક્કર વિસ્તારમાં પાનું નાળા નજીક એક કાર બેકાબૂ બની ખીણમાં ખાબકતા 5 લોકોના મોત નિપજ્યા છે.

 

પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત ટિક્કર પોલીસ ચોકી હદમાં સવારે લગભગ 8.30 વાગ્યે થયો હતો. દારોટી ગામનો 27 વર્ષીય કુશલ પોતાની માતા કલ્પના દેવી (47) અને 3 નેપાળી મજૂર મહિલાઓને પોતાના ખેતરમાં ઘાસ કાપવાના કામ માટે લઈ જઈ રહ્યો હતો. ડુંગરાળ રસ્તા પર કાર કાબૂ બહાર જતાં સીધી ઊંડી ખીણમાં પડી હતી અને સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.

 

આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. મૃતકોમાં કુશલ, તેની માતા કલ્પના દેવી, અને નેપાળી મૂળની નિર્મલા, મીના અને રોશનીનો સમાવેશ થાય છે. એક નેપાળી મજૂર પ્રેમ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને પહેલા ટિક્કર હોસ્પિટલ અને પછી IGMC શિમલા રિફર કરવામાં આવ્યો છે.

 

ટિક્કરના તહસીલદાર પ્રિયાંજલી અને નાયબ તહસીલદાર મહેર સિંહે જણાવ્યું કે દરેક મૃતકના પરિવારને તાત્કાલિક રાહત તરીકે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે. CM સુખવિંદર સિંહ સુખુએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરી ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.

(5:04 PM IST)