તા. ૨૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૪ રવિવાર
News of Saturday, 28th November 2026
અમેરિકાના લોસ એન્જલસમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ : થેંક્સગિવિંગ વીકએન્ડની રજાઓ માણી રહેલા પરિવારોમાં દહેશતનો માહોલ
મેનહટન બીચથી 6 કિલોમીટર પશ્ચિમમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું : મુખ્ય આંચકા બાદ 2.5 અને 3ની તીવ્રતાના બે આફ્ટરશોક્સ અનુભવાયા : લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટ ‘અર્થક્વેક મોડ’માં આવીને જમીન, હવા અને દરિયાઈ માર્ગે નુકસાનનું સર્વેક્ષણ શરૂ કર્યું

લોસ એન્જલસ : અમેરિકાના લોસ એન્જલસમાં શનિવારે વહેલી સવારે 5.2ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાતા સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. થેંક્સગિવિંગ વીકએન્ડની રજાઓ હોવાથી મોટાભાગના પરિવારો પોતાના ઘરે જ હતા, તે સમયે જ આંચકા આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના અહેવાલ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મેનહટન બીચથી અંદાજે 6 કિલોમીટર પશ્ચિમમાં નોંધાયું હતું.
મુખ્ય શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ તેની આસપાસના વિસ્તારોમાં અન્ય બે હળવા આંચકા પણ અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 અને 3 નોંધાઈ હતી. ભૂકંપની ઘટના બાદ લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટ (LAFD) તાત્કાલિક અસરથી એલર્ટ બની ગયું છે અને સમગ્ર વિભાગને ‘અર્થક્વેક મોડ’ પર મૂકી દેવામાં આવ્યો છે, જેથી કોઈપણ સંભવિત નુકસાનની તાત્કાલિક તપાસ કરી શકાય.
લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રોટોકોલ અનુસાર, શહેરના તમામ 106 ફાયર સ્ટેશનના કર્મચારીઓ લોસ એન્જલસના 470 ચોરસ માઈલ વિસ્તારમાં જમીન, હવા અને દરિયાઈ માર્ગે વ્યૂહાત્મક સર્વેક્ષણ હાથ ધરી રહ્યા છે. આ દરમિયાન મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ અને સ્થાનિક ચિંતાજનક વિસ્તારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. વિભાગે વધુમાં ઉમેર્યું હતું કે એકવાર આ તપાસ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને તમામ અહેવાલો એકત્રિત કરી લેવામાં આવે, ત્યારબાદ જો કોઈ મોટું નુકસાન ન જણાય તો ‘અર્થક્વેક મોડ’ પૂર્ણ જાહેર કરવામાં આવશે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
