<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનથી 56 મીટર નીચે અંડરગ્રાઉન્ડ ટનલ માટે ખોદકામ શરૂ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આજે એક ઐતિહાસિક સીમાચિહ્ન: 13.6 મીટર વ્યાસનું કટરહેડ, 3,100 ટનનું વજન અને 96 મીટરની લંબાઈ ધરાવતું આ મશીન એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આજે એક ઐતિહાસિક સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. મુંબઈના વિક્રોલી સ્થિત શાફ્ટથી ભારતના સૌથી મોટા અને અત્યાધુનિક ટનલ બોરિંગ મશીન (TBM) દ્વારા અંડરગ્રાઉન્ડ ટનલના ખોદકામની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના કુલ 21 કિમી લાંબા અંડરગ્રાઉન્ડ વિભાગ પૈકી, 16 કિમીનો હિસ્સો આ ટીબીએમ મશીનો દ્વારા તૈયાર કરવામાં આવશે.

આ મશીન ભારતમાં રેલ ટનલ નિર્માણ માટે વપરાતા સૌથી મોટા મશીનોમાંનું એક છે. 13.6 મીટર વ્યાસનું કટરહેડ (જે 4 માળની ઈમારત જેવડું છે), 3,100 ટનનું વજન અને 96 મીટરની લંબાઈ ધરાવતું આ મશીન એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો છે. તે મુંબઈના ગીચ વસ્તીવાળા વિસ્તારો, મીઠી નદી અને ગગનચુંબી ઈમારતો નીચેથી અત્યંત સુરક્ષિત રીતે પસાર થશે. આ મશીન 'મિક્સશીલ્ડ' ટેકનોલોજીથી સજ્જ છે, જે જમીનની જટિલ સ્થિતિ અને ભૂગર્ભજળના દબાણને નિયંત્રિત કરી ટનલિંગને સંપૂર્ણ સુરક્ષિત બનાવે છે.

ટીબીએમ લોન્ચ કરવા માટે જમીન સપાટીથી 56 મીટર (એટલે કે 20 માળની ઈમારત જેટલી ઊંડાઈ) ઊંડો શાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બાંધકામ દરમિયાન સુરક્ષા માટે રિયલ-ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેમાં સેન્સર્સ, ઓપ્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ સેન્સર્સ અને સિસ્મોગ્રાફ્સનો સમાવેશ થાય છે. મુંબઈ જેવા વ્યસ્ત શહેરમાં ટ્રાફિક અને ભીડભાડ વચ્ચે આ સિસ્ટમ આસપાસની ઇમારતો અને જમીનના સેટલમેન્ટ પર સતત નજર રાખશે, જેથી કોઈ જ નુકસાન ન પહોંચે.

થાણેના મહાપે ખાતે આવેલા સમર્પિત કાસ્ટિંગ યાર્ડમાં આ ટનલ માટે 77,000 કોંક્રિટ સેગમેન્ટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાંથી 7,700 ટનલ રિંગ્સ બનશે. દરેક રિંગ 100 ટન વજન ધરાવે છે. ટનલને સંપૂર્ણ વોટરપ્રૂફ બનાવવા માટે આધુનિક હાઈડ્રોફિલિક સીલ્સ અને ખાસ ગાસ્કેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લાંબા ગાળાની મજબૂતીની ખાતરી આપે છે.

આ ટીબીએમ એકસાથે ખોદકામ અને સેગમેન્ટ ઇન્સ્ટોલેશનની કામગીરી કરશે, જેનાથી ટનલિંગની ગતિમાં નોંધપાત્ર વધારો થશે. મુંબઈ જેવા વ્યસ્ત શહેરમાં ટ્રાફિક અને ભીડભાડ વચ્ચે પણ આ ટનલિંગ કામગીરી એટલી ચોકસાઈથી થશે કે ઉપરની ઈમારતોને કોઈ જ નુકસાન પહોંચશે નહીં, જે એન્જિનિયરો માટે સૌથી મોટો પડકાર છે. આ મહત્વપૂર્ણ પગલાથી ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ કાર્યમાં વેગ આવશે, જે મુંબઈથી અમદાવાદની મુસાફરીમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે.

(9:38 PM IST)