News of Monday, 27th April 2026
જાપાનમા ૬.૧ની તીવ્રતાનો ભૂકંપઃ સુનામીનું એલર્ટ
ઉત્તર જાપાનના સારાબેત્સુમાં જમીનથી ૮૧ કિલોમીટર નીચે કેન્દ્રબિંદુ નોંધાયું: ગભરાટમાં લોકો રસ્તા પર દોડી આવ્યા

ટોકયો, તા.૨૭: જાપાનમાં ફરી એકવાર કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. વહેલી સવારે જ્યારે લોકો મીઠી નિંદ્રામાં હતા, ત્યારે ઉત્તર જાપાનના હોક્કાઇડો વિસ્તારમાં ૬.૧ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટકયો હતો. યુએસ ભૂસ્તરશાષાીય સર્વે મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ હોક્કાઇડોના દરિયાકાંઠાના વિસ્તારોની નજીક હતું. સવારે ૫:૨૪ કલાકે આવેલા આ આંચકા એટલા પ્રચંડ હતા કે બહુમાળી ઈમારતો પણ લાકડાના રમકડાની જેમ હલવા લાગી હતી. સદનસીબે, આ કુદરતી આફતમાં હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા માલસામાનના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી, જે એક મોટી રાહતની વાત છે.
ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા જ લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. અનેક વિસ્તારોમાં લોકો ગભરાટના માર્યા પોતાના ઘર છોડીને ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર દોડી આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આંચકા એટલા તીવ્ર હતા કે ઘરમાં રાખેલી વસ્તુઓ નીચે પડવા લાગી હતી અને લોકોને ઉભા રહેવામાં પણ તકલીફ પડી રહી હતી. જાપાનની હવામાન એજન્સીએ તકેદારીના ભાગરૂપે તરત જ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું, પરંતુ સદનસીબે આ વખતે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી, જેનાથી દરિયાકાંઠાના લોકોએ હાશકારો અનુભવ્યો છે.
નિષ્ણાતોના મતે જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ રિંગ ઓફ ફાયર વિસ્તારમાં આવેલું છે, જેના કારણે અહીં અવારનવાર ધરતી ધ્રૂજતી રહે છે. ઉલ્લેખનીય છે કે ગયા સોમવારે પણ આ વિસ્તારમાં ૭.૭ની તીવ્રતાનો અત્યંત વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેના કારણે મેગાક્વેક (મોટા ભૂકંપ)ની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સતત આવી રહેલા આંચકાઓને કારણે જાપાન સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. લોકોને સતર્ક રહેવા અને કટોકટીના સમયે સુરક્ષિત સ્થાનો પર ખસી જવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
