News of Friday, 12th April 2024
તમને ખવડાવી શકીશ નહિ : પત્નિ - ૭ બાળકોને કુહાડીથી વાઢી નાખ્યા
પાકિસ્તાનમાં ભૂખમરાએ માણસને ‘જાનવર' બનાવી દીધો : ગરીબીના ખપ્પરમાં સર્જી દીધો હત્યાકાંડ :પેટની આગ એવી ભડકી કે પત્નિ -૭ બાળકો ઉપર કુહાડી લઇને નિર્દયતાથી તુટી પડયો

ઇસ્લામાબાદ, તા.૧૨: આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હવે સામાન્ય લોકો પોતાના પરિવારને બરબાદ કરવા પર ઉતરી આવ્યા છે. તાજેતરની ઘટનામાં, એક વ્યક્તિએ તેના ૭ બાળકો અને પત્ની પર કુહાડીથી વાર કરતા તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી વ્યક્તિએ આર્થિક સમસ્યા અને ભોજનની અછતને કારણે આ પગલું ભર્યું છે. એવા અહેવાલો છે કે પાકિસ્તાનમાં દવા અને ખાદ્યપદાર્થો જેવી મૂળભૂત વસ્તુઓના ભાવ આસમાને છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતની છે. પોલીસે માહિતી આપી છે કે આરોપી સજ્જાદ ખોખરે ૭ સગીર બાળકો સાથે તેની પત્નીની હત્યા કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી આર્થિક સમસ્યાને કારણે ખૂબ જ પરેશાન હતો અને તેની પત્ની સાથે ઝઘડો પણ કરતો હતો. હાલ તેની ધરપકડ કરવામાં આવી છે. મળતકોમાં ખોખરની ૪૨ વર્ષીય પત્ની કૌસર, ચાર પુત્રીઓ અને ત્રણ પુત્રોનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ ખોખરે બધાને કુહાડી વડે મારી નાખ્યા. રિપોર્ટ અનુસાર, પોલીસે કહ્યું કે તેણે ગુનો પણ કબૂલી લીધો છે અને દાવો કર્યો છે કે તેણે આવું એટલા માટે કર્યું કારણ કે તે બાળકોને વધુ ખવડાવી શકતો ન હતો.
તે વ્યક્તિએ કહ્યું કે હું તમને લોકોને ખવડાવી શકીશ નહીં અને પછી તેમના પર તૂટી પડ્યો હતો આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પાકિસ્તાનના મુખ્યમંત્રી મરિયમ નવાઝે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને આરોપીઓને સજા કરવાનું આશ્વાસન આપ્યું છે.
માર્યા ગયેલા બાળકોમાં ૪ છોકરીઓ અને ૩ છોકરાઓનો સમાવેશ થાય છે. તેમાંથી સૌથી મોટો બાળક ૧૦ વર્ષનો હતો અને સૌથી નાનો ૮ વર્ષનો હતો. જે પણ આ સમાચાર સાંભળે છે તે આશ્ચર્યચકિત થાય છે કે પિતાને તેના બાળકો પર કેવી રીતે દયા ન આવી.
જાણો આરોપીનું નામ સજ્જાદ ખોખર છે. તે ૪૨ વર્ષનો છે અને મજૂર છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સજ્જાદ માનસિક રીતે બીમાર હતો. તે અવારનવાર તેની પત્ની સાથે ઝઘડા કરતો હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું કે મેં પણ મારી કારકિર્દીમાં આવી ઘટના જોઈ નથી.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
