News of Friday, 12th April 2024
વણથંભી તેજીઃ સોનુ ૭પ,પ૦૦-ચાંદી ૮૬,૦૦૦ના નવા શિખરે
સોનામાં ૧૦ ગ્રામે વધુ ૧૩૦૦ અને ચાંદીમાં ૧૫૦૦ રૂ.નો ઉછાળો

રાજકોટ, તા., ૧રઃ બુલીયન માર્કેટમાં સોના-ચાંદીમાં તેજીના તરખાટના પગલે રોજબરોજ નવી સપાટી જોવા મળી રહી છે. આજે સોનામાં ૧૩૦૦ રૂપીયાનો ઉછાળો થતા સોનાના ભાવએ ૭૫,૫૦૦ રૂપીયાની અને ચાંદીમાં ૧પ૦૦ રૂપીયાનો ઉછાળો થતા ચાંદીના ભાવએ ૮૬,૦૦૦ રૂપીયાની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં વધુ ૧૩૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૭૪,ર૦૦ રૂપીયા હતા તે વધીને આજે બપોરે ર.૦૦ વાગ્યે ૭પ,પ૦૦ રૂપીયાની નવી વિક્રમજનક સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૧૩,૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૭,૪ર,૦૦૦ રૂપીયા હતા તે વધીને ૭,પપ,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સવારે સોનામાં બજાર ખુલતાની સાથે જ ૧૦પ૦ રૂપીયાનો ઉછાળો થયો હતો અને બપોરે ફરી વધુ રપ૦ રૂપીયાનો ઉછાળો થયો હતો.
સોનાની સાથે ચાંદીમાં તેજીનો ચળકાટ યથાવત રહયો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૧પ૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૮૪,પ૦૦ રૂપીયા હતા તે વધીને બપોરે ર.૦૦ વાગ્યે ૮૬,૦૦૦ રૂપીયાની નવી ટોચની સપાટી બનાવી હતી. ચાંદીમાં સવારે ખુલતાની સાથે જ ૧૦૦૦ રૂપીયા વધ્યા હતા અને બાદમાં બપોરે વધુ પ૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. છેલ્લા એક માસમાં વણથંભી તેજીને પગલે સોનામાં ૧૦ ગ્રામે ૭૦૦૦ રૂપીયા અને ચાંદીમાં ૧૦૦૦૦ રૂપીયાનો તોતીંગ ઉછાળો થયો છે. અમેરીકામાં આર્થીક ડેટા નબળા આવતા અને ઇઝરાયલ તથા ઇરાન વચ્ચે યુધ્ધના ભણકારાના પગલે આ બંને કિંમતી ધાતુઓમાં એકધારો ભાવવધારો થઇ રહયો છે. આગામી દિવસોમાં હજુ પણ આ બંને કિંમતી ધાતુઓની નવી ભાવસપાટી જોવા મળે તો નહિ તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યું છે. બીજી બાજુ સોના-ચાંદીના ભાવો આસમાને પહોંચતા લગ્નસરાની સીઝન ટાંકણે જ નવી ખરીદીમાં જોરદાર ગાબડુ પડયાનું અને લોકો જરૂરીયાત પુરતુ જુના દાગીનામાંથી જ નવા દાગીના બનાવી રહયાનું ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
