News of Thursday, 25th April 2024
ક્રેડિટ કાર્ડનો ક્રેઝ ખર્ચ ૧ લાખ કરોડને પાર
દેશમાં ૧૦-૨૦ કરોડ ક્રેડિટ કાર્ડ : HDFC બેંકના ૧૮.૫% : ICICIના ૧૬.૬% : એકસીસના ૧૪% તથા કોટક બેંકના ૫.૮%

નવી દિલ્હી, તા.૨૫: ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ખર્ચ માર્ચમાં પ્રથમ વખત રૂ. ૧ લાખ કરોડને પાર કરી ગયો હતો. ઓનલાઈન કાર્ડ ખર્ચ માર્ચ ૨૦૨૩માં લગભગ ૨૦% વધીને રૂ.૮૬,૩૯૦ કરોડ અને ફેબ્રુઆરી ૨૦૨૪માં ૧૦% વધીને રૂ. ૯૪,૭૭૪ કરોડ થયો હતો. પોઈન્ટ-ઓફ-સેલ મશીનો મારફત ઓફલાઈન વ્યવહારો માર્ચમાં વધીને રૂ. ૬૦,૩૭૮ કરોડ થયા હતા જે એક વર્ષ અગાઉ રૂ. ૫૦,૯૨૦ કરોડ હતા. માર્ચ ૨૦૨૪માં ક્રેડિટ કાર્ડનો કુલ ખર્ચ રૂ. ૧,૬૪,૫૮૬ કરોડ હતો, જે એક વર્ષ અગાઉ રૂ. ૧,૩૭,૩૧૦ કરોડથી ૨૦% વધુ છે.
માર્ચ ૨૦૨૪ સુધી HDFC બેંક પાસે સૌથી વધુ ક્રેડિટ કાર્ડ હતા. તેનો બજાર હિસ્સો ૨૦.૨% હતો. જાહેર ક્ષેત્રની બેંક SBI બીજા નંબર પર છે. તેનો બજાર હિસ્સો ૧૮.૫% છે. ICICI બેંક ત્રીજા નંબર પર છે, જેના ક્રેડિટ કાર્ડ ધારકો ૧૬.૬% છે. એક્સિસ બેંક ૧૪% અને કોટક મહિન્દ્રા બેંક ૫.૮% ધરાવે છે. ટોચની ૧૦ કાર્ડ જારી કરતી બેંકો પાસે ક્રેડિટ કાર્ડ માર્કેટ શેરનો ૯૦% હિસ્સો હતો.
હવે લોકો માટે ક્રેડિટ કાર્ડની પહોંચ સરળ બની ગઈ છે. પહોંચ વધવાને કારણે વ્યવહારો વધ્યા. સ્વેપિંગ મશીનો દ્વારા પોઈન્ટ-ઓફ-સેલ ખર્ચ માર્ચમાં વાર્ષિક ધોરણે ૨૮% વધીને રૂ. ૧૮ કરોડ થયો હતો, જ્યારે ઓનલાઈન ચૂકવણી ૩૩% વધીને રૂ. ૧૬.૪ કરોડ થઈ હતી. ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં વધારો દર્શાવે છે કે ગ્રાહકો ઓછી કિંમતની ચૂકવણી માટે પણ કાર્ડનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે. બેન્કર્સના જણાવ્યા અનુસાર, UPI નેટવર્ક પર કાર્ડ ટ્રાન્ઝેક્શન શકય બન્યું હોવાથી, સરેરાશ ટ્રાન્ઝેક્શન મૂલ્યમાં વધુ ઘટાડો થવાની શકયતા છે.
ડેબિટ કાર્ડની ચૂકવણીમાં ભારે ઘટાડો થયો છે : ડેબિટ કાર્ડની ચૂકવણીમાં ભારે ઘટાડો થયો છે. UPI વ્યવહારોની લોકપ્રિયતા પર પ્રતિકૂળ અસર થઈ છે. માર્ચ ૨૦૨૪ માં, ડેબિટ કાર્ડ વ્યવહારો સ્ટોર્સમાં ૩૦% ઘટીને ૧૧૬ મિલિયન અને ઑનલાઇન વ્યવહારો ૪૧% ઘટીને ૪૩ મિલિયન થઈ ગયા. મૂલ્યની વાત કરીએ તો, માર્ચમાં, સ્ટોર્સમાં ડેબિટ કાર્ડ વ્યવહારો ૧૭% ઘટીને રૂ. ૨૯,૩૦૯ કરોડ અને ઓનલાઈન વ્યવહારો ૧૬% ઘટીને રૂ. ૧૫,૨૧૩ કરોડ થયા છે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
