<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

ગુજરાતની તમામ બેઠકો જંગી લીડથી જીતશું: અમિતભાઇ શાહ

રાજકોટ જીલ્લાના જામકંડોરણામાં પોરબંદર બેઠકના લોકસભાના ઉમેદવાર ડો.મનસુખભાઇ માંડવીયાના સમર્થનમાં ‘વિજય સંકલ્‍પ સભા' ને સંબોધતા કેન્‍દ્રીય ગૃહમંત્રીઃ કાળઝાળ ગરમીમાં લોકો ઉમટી પડયાઃ જય શ્રી રામ... મોદી... મોદીના નારા... : ભાજપના ઉમેદવારોને તમામ જ્ઞાતિઓનો ટેકોઃ ઉમેદવાર નહી કમળ-મોદીના નામે મત આપવા લોકોને અપીલઃ કેન્‍દ્રની ૧૦ વર્ષની કામગીરીનો ઉલ્લેખઃ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત : અમિતભાઇ શાહની એક જ દિવસમાં : જામકંડોરણા, ભરૂચના ખડોલી ગામે તથા ગોધરામાં જાહેર સભાઃ સાંજે વડોદરામાં ભવ્‍ય રોડ શો

તસ્‍વીરમાં જામકંડોરણામાં અમિતભાઇ શાહનું સભા સ્‍થળ નજરે પડે છે. (તસ્‍વીરઃ મનસુખ બાલધા-જામકંડોરણા)

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.,ર૭:  લોકસભા ચુંટણી આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્‍યારે પ્રચાર વેગવંતુ થયું છે. આજે કેન્‍દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઇ શાહની રાજકોટ જીલ્લાના જામકંડોરણા ખાતે કુમાર છાત્રાલય ખાતે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાના સમર્થનમાં ભવ્‍ય ‘વિજય સંકલ્‍પ સભા' યોજાઇ છે. જેમાં મોટી સંખ્‍યામાં ખેડુતો, યુવાનો, મહિલાઓ સહીતના ઉમટી પડયા છે.

શ્રી અમિતભાઇ શાહે ગુજરાતની તમામ બેઠકો જંગી લીડથી જીતીશું તેનો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો અને કેન્‍દ્રની ૧૦ વર્ષની કામગીરીની માહીતી આપી હતી.

ભાજપના ઉમેદવારોને સર્વ સમાજનો ટેકો હોવાનું જણાવીને શ્રી અમિતભાઇ શાહે કમળ અને મોદીના નામે લોકોને મત આપવા અપીલ કરી હતી.

અમિતભાઇ શાહની જામકંડોરણા ખાતે સભા માટે મોટા ડોમની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

અમિતભાઇ શાહનું જામકંડોરણા ઉદ્યોગનગર ખાતે હેલીપેડ ખાતે આગમન થયું હતું અને તેઓએ લોકોનું અભિવાદન ઝીલ્‍યું હતું.

ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત જામકંડોરણા ખાતે કરવામાં આવ્‍યો છે.

(12:47 PM IST)