News of Wednesday, 1st May 2024
કોંગ્રેસના કેન્દ્રીય સ્તરના મોટાભાગના સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં રસ જ નથી
પ્રચારકની ડિમાન્ડ કરાય છે પણ કોઇ સાંભળતું જ નથી : નાની શેરીઓમાં માંડ સભા ગજવી હોય તેમને ય પ્રચારક બનાવાયા

નવી દિલ્હી,તા. ૧: લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત માટે ૪૦ સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે, જો કે પ્રદેશ સ્તરેથી કેટલાક સ્ટાર પ્રચારકોની પસંદગી થઇ છે તેમાં કેટલાક તો એવા છે જેમણે નાની શેરીઓમાં માંડ માંડ સભાઓ ગજવી છે. જેમની કોઇ જ ડિમાન્ડ નથી. ગુજરાતમાં કેટલીક બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે અને ત્યાંના ઉમેદવારોની ડિમાન્ડ છે કે, રાષ્ટ્રીય નેતાઓમાંથી મજબૂત સ્ટાર પ્રચારક તેમના મતક્ષેત્રમાં ચૂંટણી સભાઓ ગજવે, જો કે સ્થિતી એવી છે કે, મોટા ભાગના કેન્દ્રીય સ્ટાર પ્રચારકો ગુજરાત આવવાનું ટાળી રહ્યા છે.
રાજકીય વર્તુળોના કહેવા પ્રમાણે એક તરફ ભાજપના રાષ્ટ્રીય કક્ષાના સ્ટાર પ્રચારકો ગુજરાત આવે તો એક જ દિવસમાં બે થી ત્રણ જાહેરસભાઓ ગજવે છે, બીજી તરફ કોંગ્રેસમાં અત્યાર સુધીમાં સ્ટાર પ્રચારકો પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે તો આવ્યા પણ માંડ એક એક જ જાહેરસભા ગજવી હતી, આસપાસના મતક્ષેત્રમાં જાણે રાષ્ટ્રીય નેતાઓને રસ ન હોય તેમ વધુ સભાઓ કરવાનું ટાળી રહ્યા છે. બીજી બાજુ કેટલીક રસાકસી વાળી સીટ છે. ત્યાં પ્રચારકોની ડિમાન્ડ છતાં તેઓ આવતા ન હોવા જેવી સ્થિતિ છે.
લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં અંદરોઅંદરની ટાંટિયાખેંચ પણ ચરમસીમાએ છે. જિજ્ઞેશ મેવાણીને ગુજરાતના સ્ટાર પ્રચાર બનાવાયા છે, જો કે આ જ સ્ટાર પ્રચારક વડગામમાં કોંગ્રેસ સમર્થિત આગેવાનોની મિટિંગ ના યોજાય તે માટે ધમપછાડા કર્યા હતા, એટલું જ નહિ પરંતુ પ્રદેશ નેતાગીરી સમક્ષ રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી છે.
આ સિવાય ગુજરાતમાંથી પસંદ થયેલા મોટાભાગના સ્ટાર પ્રચારકો એવા છે જે વારંવાર ચૂંટણીમાં હાર્યા છે. એક રીતે કોંગ્રેસમાં સ્ટાર પ્રચારકોનો દુકાળ પડયો છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
