<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

બળાત્‍કારના ખોટા કેસમાં યુવતીને યુવક જેટલી ૪.૫ વર્ષની સજા

ખોટા કેસો કરતી મહિલાઓ માટે ઉદાહરણરૂપ ચુકાદામાં કોર્ટે યુવતીને ~૫.૯ લાખનો દંડ પણ કર્યો : અદાલતે યુવકને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો

બરેલી,તા.૯: બળાત્‍કારના ખોટા કેસમાં એક યુવકને સાડા ચાર વર્ષ સુધી જેલમાં સબડાવી રાખવાના મામલે ઉત્તરપ્રદેશની જિલ્લા અદાલતે એક મહિલાને એટલાં જ વર્ષની જેલની સજા અને ~૫.૮૮ લાખના દંડ ભરવાનો ઐતિહાસિક ચુકાદો આપ્‍યો હતો. કેસની સુનાવણી દરમિયાન મહિલાના નિવેદનોમાં વિરોધાભાસને પગલે સમગ્ર હકીકતનો ખુલાસો થયો હતો. જેને પગલે કોર્ટે યુવકને નિર્દોષ જાહેર કરી મહિલાને સજા ફટકારી હતી.

અદાલતે જણાવ્‍યું હતું કે, પુરુષો પાસેથી નાણાં એંઠવા માટે ખોટા કેસો કરતી મહિલાઓ માટે આ ચુકાદો ઉદાહરણરૂપ બની રહેશે.

કેસની વિગતો અનુસાર, સપ્‍ટેમ્‍બર, ૨૦૧૯માં એક કિશોરીની માતાએ અજય ઉર્ફે રાઘવ નામના એક વ્‍યક્‍તિ વિરુદ્ધ પોતાની ૧૫ વર્ષની દિકરીના અપહરણ અને બળાત્‍કારનો કેસ કર્યો હતો. અજયની ઉંમર તે વખતે ૨૧ વર્ષની હતી અને તે પીડિતની બહેનની સાથે એક કંપનીમાં નોકરી કરતો હતો. જેને કારણે પીડિત કિશોરી સાથે પણ તેને પરિચય હતો. પોતાની ફરિયાદમાં કિશોરીએ એવો દાવો કર્યો હતો કે રાઘવે તેને પ્રસાદમાં નશીલી દવા ખવડાવી હતી અને તેને પોતાની સાથે દિલ્‍હી લઈ ગયો હતો. જયાં એક રૂમમાં બંધ કરી તેની સાથે બળાત્‍કાર ગુજાર્યો હતો. તેની ફરિયાદને પગલે રાઘવને જેલમાં ધકેલવામાં આવ્‍યો હતો. જોકે કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ કરનાર કિશોરીએ પોતાનું નિવેદન ફેરવી તોળતા જણાવ્‍યું હતું કે, રાઘવે તેનું અપહરણ કે તેની પર બળાત્‍કાર ગુજાર્યો નહોતો.

કિશોરીએ આપેલા નિવેદનને પગલે કોર્ટે ખોટા નિવેદનો આપવા બદલ તેની ઝાટકણી કાઢી હતી. એટલું જ નહીં પરંતુ એક ઐતિહાસિક ચુકાદો આપતાં તેને યુવકે જેટલાં વર્ષ જેલમાં ગાળ્‍યાં હતાં તેટલી જ એટલે કે ૪.૫ વર્ષની જેલની સજાનો આદેશ કર્યો હતો. જયારે યુવકને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્‍યું હતું કે, કિશોરીની ખોટી ફરિયાદને કારણે કાચા કામના કેદી તરીકે ૪.૫ વર્ષ જેટલો સમય જેલમાં ગાળવો પડ્‍યો હતો. આ સમય દરમિયાન તે ~૫.૮૮ લાખની કમાણી કરી શક્‍યો હોત. અદાલતે વધુમાં જણાવ્‍યું હતું કે, મહિલાઓ દ્વારા પુરુષો વિરુદ્ધ કરવામાં આવતા આવા ખોટા કેસને કારણે ખરેખર પીડિત મહિલાઓને નુકસાન થાય છે. આપણાં સમાજ માટે આ અત્‍યંત ચિંતાજનક સ્‍થિતિ છે. પોતાના બદઈરાદાઓ પાર પાડવા માટે પોલીસ અને કોર્ટનો દુરૂપયોગ કરવાની વાત અસહ્ય છે. અનુચિત લાભ મેળવવા માટે પુરુષોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કૃત્‍ય કોઈ કાળે ચલાવી ના લેવાય.

(9:50 AM IST)