તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
કેજરીવાલને હવે આરોપી બનાવશે ED : વધી શકે છે મુશ્કેલી : જામીન પર કેવી અસર પડશે
ED હાલની ચાર્જશીટમાં કેજરીવાલ સહિત કેટલાંક અન્ય લોકોને આરોપી બનાવી શકે

નવી દિલ્હી : કથિત શરાબ કૌભાંડમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે. સૂત્રોનું કહેવું છે કે ED કેજરીવાલ વિરુદ્ધ ટ્રાયલ કોર્ટમાં શુક્રવારે ચાર્જશીટ દાખલ કરી શકે છે. આ મામલાની જાણકારી રાખતા એક અધિકારીએ જણાવ્યું કે કેજરીવાલને આરોપી બનાવવામાં આવશે.
કેજરીવાલ વિરુદ્ધ દાખલ થનારી ચાર્જશીટનું ટાઈમિંગ ઘણું મહત્વનું છે. ED એવા સમયે દિલ્હીના મુખ્યમંત્રીને આરોપી બનાવવા જઈ રહી છે જ્યારે શુક્રવારે જ સુપ્રીમ કોર્ટમાં તેના વચગાળા જામીન પર ચુકાદો આવવાનો છે. દેશની સૌથી મોટી કોર્ટ તેમની ધરપકડને પડકારનાર અરજી પર પણ સુનાવણી કરશે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને યોગ્ય ગણાવી હતી.
21 માર્ચે પકડાયેલા કેજરીવાલને હજુ સુધી આરોપી નથી બનાવવામાં આવ્યા. સૂત્રોનું કહેવું છે કે ED હાલની ચાર્જશીટમાં કેજરીવાલ સહિત કેટલાંક અન્ય લોકોને આરોપી બનાવી શકે છે. એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે કેજરીવાલને મુખ્ય ષડયંત્રકારી તરીકે રજૂ કરવામાં આવી શકે છે. આ પહેલાં પણ કોર્ટે મૌખિક રુપે EDના વકીલ કેજરીવાલને મુખ્ય ષડયંત્રકારી જણાવી ચુક્યા છે.
આ મામલાની જાણકારી રાખનારા વિશેષજ્ઞોના મતે જો અરવિંદ કેજરીવાલને આરોપી બનાવવામાં આવશે તો ટૂંક સમયમાં જ આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવી શકે છે જેના તેઓ પ્રમુખ છે. આ પહેલી વખત હશે જ્યારે કોઈ રાજકીય પક્ષને મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી બનાવવામાં આવશે. જો એવું થશે તો આ આપ માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઝાટકો હશે.
કથિત શરાબ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં અરવિંદ કેજરીવાલ ઉપરાંત દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ જેલમાં બંધ છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ ચાર મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું.
સુપ્રીમ કોર્ટે મંગળવારે થયેલી સુનાવણીમાં કહ્યું હતું કે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે, આદતવશ ગુનેગાર નથી. લોકસભા ચૂંટણી પાંચ વર્ષમાં આવે છે અને તેથી પ્રચાર માટે તેમણે વચગાળા જામીન આપવા વિચાર કરવામાં આવી શકે છે. જો કે ED તેનો જોરદાર વિરોધ કરી રહી છે. સુપ્રીમ કોર્ટ 10 મેનાં રોજ આ મામલે સુનાવણી બાદ ચુકાદો આપી શકે છે.
માનવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ED ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી શકે છે. કેન્દ્રીય તપાસ એજન્સી સુપ્રીમ કોર્ટમાં તે તથ્યને રાખીને પોતાનો પક્ષ મજબૂત કરી શકે છે કે કેજરીવાલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
