News of Friday, 10th May 2024
દિલ્હી સહિત અનેક રાજયોમાં આજે વરસાદની શકયતા
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કરાનું એલર્ટઃ પૂર્વોતર રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના

નવી દિલ્હી તા.૧૦: દેશભરમાં કેટલાય રાજયોમાં પ્રચંડ ગરમી પડી રહી છે. તો કેટલાક રાજયો લુ ની ગરમ હવા સહેવા પણ મજબુર છે. જો કે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય થવાથી કેટલાય રાજયોમાં હવામાન અચાનક બદલાયું છે. હવામાનમાં અચાનક ફેરફારના કારણે દિલ્હી, બિહાર, યુપી સહિત ઘણાં રાજયોમાં છેલ્લા થોડા દિવસોથી હવામાન સરસ થઇ ગયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ગરમીથી રાહત રહેશે. દિલ્હીમાં ઝડપી પવન, ગર્જનાવાળા વાદળ અને હળવા વરસાદની શકયતા છે તો પંજાબ અને હરિયાણામાં થોડી વધારે અસર જોવા મળશે. અહીં તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઇ શકે છે.
હવામાન વિભાગ અનુસાર ૧૪ મે સુધી યુપી, ઝારખંડ સહિતના રાજયોમાં અસહય ગરમીથી રાહત મળશે, વાતાવરણ વાદળછાયુ રહેવાની સાથે સાથે છુટોછવાયો વરસાદ પણ થઇ શકે છે.
પૂર્વોતરના રાજયો અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મીઝરોમ અને ત્રીપુરામાં ગાજવીજ સાગથે હળવાથી મધ્યમ વરસાદની ૧૬ મે સુધી શકયતા છે. આ રાજયોમાં આજે ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત ૧૨ મે સુધી બંગાળ અને સિકકીમમાં ગાજવીજ, ઝડપી પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આશા છે. હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કરા પડવાનું એલર્ટ જાહેર કર્યુ છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
