તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Friday, 10th May 2024
માસ્ટર માઈન્ડ ગણાતા ડૉ. તાવડે સહિત ૩ નિર્દોષ જાહેર
નરેન્દ્ર દાભોલકર હત્યા કેસમાં ૧૧ વર્ષ બાદ ચુકાદોઃપુણેની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે આરોપી સચિન અન્દુરે અને શરદ કલસ્કરને દોષિત જાહેર કર્ય:બંનેને આજીવન કેદની સજા

મુંબઈ, તા.૧૦
મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિવારણ સમિતિના વડા નરેન્દ્ર દાભોલકરની હત્યા કેસમાં ૧૧ વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આવ્યો છે. પુણેની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે આરોપી સચિન અન્દુરે અને શરદ કલસ્કરને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી છે. હત્યાના માસ્ટરમાઇન્ડ ગણાતા ડૉ. વીરેન્દ્ર સિંહ તાવડે ઉપરાંત કોર્ટે વિક્રમ ભાવે અને સંજીવ પુનાલકરને નિર્દોષ જાહેર કર્યા છે. હત્યા કેસમાં કુલ ૫ આરોપી હતા. વીરેન્દ્ર તાવડે પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. જો કે, સરકારી પક્ષ તેમની સામે પૂરતા પુરાવા રજૂ કરી શક્યું નથી. તાવડે ઉપરાંત અન્ય બે આરોપીઓ સામે પણ આરોપ સાબિત થઈ શક્યા નથી. ૨૦ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ દાભોલકરની પુણેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પુણેમાં દાભોલકરની હત્યા પછી, ફેબ્રુઆરી ૨૦૧૫માં ગોવિંદ પાનસરેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તે જ વર્ષે ઓગસ્ટમાં કોલ્હાપુરમાં એમએમ કલબુર્ગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૧૭માં, ગૌરી લંકેશની બેંગલુરુમાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.સચિન અન્દુરે- આજીવન કેદ, શરદ કલસ્કર - આજીવન કેદ, વિરેન્દ્રસિંહ તાવડે-નિર્દોષ, વિક્રમ ભાવે- નિર્દોષ, સંજીવ પુનાલકર-નિર્દોષ. દાભોલકર હત્યા કેસમાં પુણે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ૨૦૧૪માં બોમ્બે હાઈકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. CBIએ જૂન ૨૦૧૬માં ENT સર્જન ડૉ. વીરેન્દ્ર સિંહ તાવડેની ધરપકડ કરી હતી.વીરેન્દ્ર તાવડે અને અન્ય આરોપીઓ હિન્દુ દક્ષિણપંથી સંગઠન સનાતન સંસ્થા સાથે સંકળાયેલા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે આ સંગઠન દાભોલકરની સંસ્થા મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના કાર્યોનો વિરોધ કરી રહ્યું હતું.સીબીઆઈ તેની ચાર્જશીટમાં તેણે પહેલા સારંગ અકોલકર અને વિનય પવારનું નામ શૂટર્સ તરીકે રાખ્યું હતું. જો કે, એજન્સીએ પાછળથી સચિન અન્દુરે અને શરદ કલસ્કરની ધરપકડ કરી હતી. ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે તેણે જ દાભોલકરને ગોળી મારી હતી.ત્યારબાદ તપાસ એજન્સીએ કાવતરાખોરોને સમર્થન આપવા બદલ વકીલ સંજીવ પુનાલેકર અને વિક્રમ ભાવેની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આરોપીઓના વકીલોમાંના એક વકીલ વીરેન્દ્ર ઇચલકરંજીકરે શૂટરોની ઓળખ કરવામાં CBIની બેદરકારી પર સવાલ ઉઠાવ્યા હતા.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
