<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th May 2024

દેશમાં અનેક હોસ્પિટલો અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: દિલ્હીથી રાજસ્થાન સુધી ગભરાટ સર્જાયો

દેશના પ્રતિષ્ઠિત ઈન્દિરા ગાંધી એરપોર્ટ ઉપરાંત દિલ્હીમાં DDU, ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ અને દાદરી વિસ્તારમાં આવેલી દાદા દેવ હોસ્પિટલને બોમ્બની ધમકી મળી

લોકસભા ચૂંટણીને લઈને હાલ દેશમાં ભારે ઉત્તેજનાનો માહોલ છે. પરંતુ અચાનક દેશની પ્રતિષ્ઠિત હોસ્પિટલો અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે ખળભળાટ મચી ગયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની આઠ મોટી હોસ્પિટલો અને એરપોર્ટ અને રાજસ્થાનના જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. આ ધમકીઓએ બધાને હચમચાવી દીધા.

  દિલ્હી ફાયર સર્વિસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ બોમ્બની ધમકીઓ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, ઉત્તર દિલ્હીની બુરારી હોસ્પિટલ અને બાહ્ય દિલ્હીની સંજય ગાંધી હોસ્પિટલમાં મળી હતી. આ સિવાય દિલ્હીની DDU, ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ અને દાદરી વિસ્તારમાં આવેલી દાદા દેવ હોસ્પિટલમાં પણ બોમ્બની ધમકી મળી હતી. આ જ રીતે બારા હિન્દુ રાવ હોસ્પિટલ, જનકપુરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, અરુણા આસફ અલી સરકારી હોસ્પિટલને પણ ઈમેલ મોકલીને આવી જ ધમકીઓ આપવામાં આવી છે

 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓને સાંજે 6 વાગ્યે ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. ઉત્તર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ એમ કે મીનાએ જણાવ્યું હતું કે બુરારી હૉસ્પિટલમાંથી બપોરે 3 વાગ્યે ધમકીભર્યા કૉલ મળ્યા બાદ સ્થાનિક પોલીસ, બૉમ્બ નિકાલ ટુકડી અને ડોગ સ્કવોડને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસએ કહ્યું, “આ ટીમો હોસ્પિટલની તપાસ કરી રહી છે. હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

  બુરારી હોસ્પિટલના એક અધિકારીએ એક નિવેદનમાં કહ્યું, 'બપોરે 3 વાગ્યે અમને હોસ્પિટલમાં બોમ્બ અંગેનો ઈ-મેલ મળ્યો. આ પછી, સુરક્ષાના તમામ પગલાંની સંપૂર્ણ તપાસ કરવામાં આવી અને બધું બરાબર જોવા મળ્યું. આ પ્રકારનો ઈ-મેલ અમને પ્રથમ વખત મળ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર સંજય ગાંધી હોસ્પિટલને પણ બપોરે 3 વાગ્યે ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. દિલ્હીમાં બપોરના સમયે બોમ્બ સંબંધિત ઈમેલ મળ્યા બાદ ઘણી જગ્યાએ ગભરાટનો માહોલ હતો.

   જયપુર એરપોર્ટ પર પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. બપોરે 3.30 વાગ્યે એરપોર્ટ ઓથોરિટીને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. જે બાદ જયપુરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે CISFના જવાનોએ સમગ્ર એરપોર્ટમાં સઘન સર્ચ પણ હાથ ધર્યું છે.

  ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો પણ સર્ચ ઓપરેશન માટે જયપુર એરપોર્ટ પર પહોંચી હતી. સાવચેતીના પગલારૂપે, SDRFના જવાનો અને ફાયર બ્રિગેડના વાહનો પણ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જયપુર એરપોર્ટ પર પહેલા પણ બોમ્બની ધમકી મળી ચુકી છે. આ મહિને 3 મેના રોજ જયપુર એરપોર્ટ પર બોમ્બની ધમકી આપવામાં આવી હતી.

  દિલ્હીની હોસ્પિટલોને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે ઈમારતમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. સમયસર બોમ્બ શોધો નહીંતર નિર્દોષ લોકો માર્યા જશે. રક્તપાતનો ઉલ્લેખ કરીને, આ ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે 'કોર્ટ' જૂથ આ હત્યાકાંડની જવાબદારી લે છે. હોસ્પિટલ પ્રશાસને કહ્યું છે કે તેઓ પોતે અને દિલ્હી પોલીસ બંને આ ઈમેલની તપાસ કરી રહ્યા છે. હવે, આ ધમકીભર્યા ઈમેલમાં બોમ્બ હોવાની વાત અત્યાર સુધી અફવા સાબિત થઈ હોવા છતાં, આવી ધમકી મળવાથી અમુક સમય માટે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

( IST)