તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 12th May 2024
રવિન્દ્ર જાડેજાને થર્ડ અમ્પાયરે આઉટ જાહેર કર્યો : IPLના ઈતિહાસમાં આ રીતે આઉટ થનારો બન્યો ત્રીજો ખેલાડી
જાડેજાને જે રીતે આઉટ આપવામાં આવ્યો તે ઘણું જ રસપ્રદ હતું. : જુઓ વિડિઓ

મુંબઈ : IPL 2024ની 61મી મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ. ચેપોકમાં રમાયેલીઆ મેચ CSKએ 5 વિકેટથી જીતી લીધી. જો કે મેચમાં ચેન્નાઈની ઈનિંગ દરમિયાન એક રસપ્રદ ઘટના જોવા મળી. આ મેચમાં રવીન્દ્ર જાડેજા રનઆઉટ થયો. આમ તો રનઆઉટ થાય તે કોઈ રસપ્રદ ઘટના નથી પરંતુ જાડેજાને જે રીતે આઉટ આપવામાં આવ્યો તે ઘણું જ રસપ્રદ હતું. હકિકતમાં જાડેજાને રન દોડતી વખતે બે વિકેટ વચ્ચે અડચણરુપ બનવા માટે આઉટ જાહેર કરવામાં આવ્યો છે. IPLમાં આ રીતે આઉટ થનાર જાડેજા ત્રીજો ખેલાડી બન્યો છે. જો કે જાડેજા આઉટ થતાં CSKને મોટું નુકસાન નથી થયું, કારણ કે ટીમે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના અણનમ 42 રન અને સમીર રિઝ્વીના અણનમ 15 રનની મદદથી CSKએ 5 વિકેટથી મેચ જીતી લીધી હતી.
રાજસ્થાને ટોસ જીતીને પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 141 રન કર્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈએ ધીમી બેટિંગ કરતા એક સમયે 4 વિકેટ ગુમાવીને 121 રન કર્યા હતા. 16મી ઓવરમાં આવેશ ખાન બોલિંગ કરવા આવ્યો. ત્યારે ઋતુરાજ ગાયકવાડની સાથે જાડેજા ક્રીઝ પર હતો. ઓવરના પાંચમા બોલે જાડેજાએ થર્ડ મેન પર શોટ માર્યો અને રન માટે દોડ્યો. એક રન લીધા બાદ તે બીજા રન માટે દોડ્યો, પિચમાં અડધે સુધી પહોંચી ગયો. જો કે ઋતુરાજે સ્ટ્રાઈક એન્ડ પરથી તેણે પરત જવાનું કહ્યું. ત્યાં સુધી સેમસનના ગ્લોવ્ઝમાં બોલ આવી ગયો હતો અને તેણે નોન સ્ટ્રાઈક એન્ડ પર થ્રો કર્યો.
બોલ સીધો જ જાડેજાને લાગ્યો. એવામાં સેમસને અમ્પાયર સમક્ષ ક્ષેત્રરક્ષણમાં વિધ્ન નાખવાને લઈને અપીલ કરી. મેદાન પર હાજર બંને અમ્પાયર વચ્ચે થોડીક વાતચીત થઈ જે બાદ નિર્ણય માટે થર્ડ અમ્પાયરનો કોલ લેવામાં આવ્યો. થર્ડ અમ્પાયરે રિપ્લેમાં જોયું કે જાડેજાની નજર છેલ્લે સુધી બોલ પર હતી અને થ્રોની પહેલા તેણે મોઢું ફેરવી લીધું. થર્ડ અમ્પાયર મુજબ જાડેજાને તે વાતનો ખ્યાલ હતો કે બોલ ક્યાં આવશે અને તે બોલ અને સ્ટમ્પ્સની વચ્ચે આવી ગયો અને બોલ સ્ટમ્પ્સની જગ્યાએ જાડેજાને વાગ્યો. આ રીતે મેદાનમાં અડચણ નાખવાને લઈને જાડેજાને આઉટ જાહેર કરવામાં આવ્યો. જો કે આ નિર્ણયથી તે નાખુશ દેખાયો. જાડેજાએ 7 બોલમાં 5 રન કર્યા હતા.
જાડેજા મેદાનમાં અડચણ નાખવાને કારણે આઉટ થનાર IPLનો ત્રીજો ખેલાડી બન્યો છે. આ પહેલાં 2013માં યૂસુફ પઠાન અને 2019માં અમિત મિશ્રા આ રીતે જ આઉટ થયા હતા. 2013માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતો યૂસુફ રાંચીમાં પુણે વોરિયર્સ વિરુદ્ધ ક્ષેત્રરક્ષણમાં અડચણરુપ બન્યો હતો. તો 2019માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા અમિત મિશ્રા વિશાખાપટ્ટનમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં ક્ષેત્રરક્ષણમાં અડચણરુપ બન્યો હતો. હવે જાડેજા ત્રીજો ખેલાડી છે. આ પહેલી વખત નથી જ્યારે જાડેજા આ પ્રકારની હરકત કરતો જોવા મળ્યો હોય, આ પહેલાં આ સીઝનમાં જ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધની મેચમાં પણ હેનરિક ક્લાસેનનો થ્રો તેને વાગ્યો હતો. જો કે હૈદરાબાદે અપીલ ન કરી અને જાડેજા બચી ગયો હતો.
Ravindra Jadeja given out obstructing the field.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 12, 2024
- 3rd time happened in IPL history. pic.twitter.com/lJNolzBc1L
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
