<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

ચીન-અફઘાનિસ્તાનમાં પૂરના કારણે હાહાકાર : અચાનક વરસાદે તબાહી મચાવી: ભારે પૂરને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા

ચીનના ગુઆંગસી ઝુઆંગ પ્રાંતમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરે બધું તબાહ કરી નાખ્યું. શહેરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા

ચીન અને અફઘાનિસ્તાન હાલમાં અચાનક વરસાદને કારણે પૂરનો સામનો કરી રહ્યા છે. બંને દેશોમાં ભારે વરસાદ બાદ તબાહીનું દ્રશ્ય છે. બંને દેશોમાં પૂરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરના કારણે બંને દેશોના અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો હજુ પણ જોવા મળી રહ્યા છે. ચીનમાં સતત ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા છે. બંને દેશોમાંથી પૂરની ડરામણી તસવીરો સામે આવી છે.

   ચીનના ગુઆંગસી ઝુઆંગ પ્રાંતમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરે બધું તબાહ કરી નાખ્યું. શહેરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે અને દૂર દૂર સુધી માત્ર પાણી જ દેખાય છે. કિંજોઉ શહેરમાં દરેક જગ્યાએ રહેણાંક વિસ્તારોથી લઈને બજારો સુધી અનેક ફૂટ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે અને ત્યાં પાર્ક કરાયેલા વાહનો ડૂબી ગયા છે. ઈમારતોની છત સુધી પાણી પહોંચી ગયું છે.

  ચીનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને બોટ દ્વારા લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા, નેપો કાઉન્ટી શહેરમાં ભારે વરસાદ પછી ભૂસ્ખલનને કારણે, રસ્તા પર પહાડી કાટમાળ જમા થઈ ગયો હતો જેને જેસીબી દ્વારા હટાવવો પડ્યો હતો. ચીનમાં પૂર અને વરસાદની સમસ્યા વધુ વધી શકે છે. હવામાન વિભાગે આગામી 10 દિવસ સુધી દક્ષિણ ચીનના ઘણા પ્રાંતોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

  અફઘાનિસ્તાનમાં પણ અનેક પ્રાંતોમાં ભીષણ પૂર બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આકાશમાંથી વરસેલી આ દુર્ઘટનાની સૌથી વધુ અસર બગલાન પ્રાંતમાં જોવા મળી છે. પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં પહોંચી જતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, સર્વત્ર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂર બાદ બાગલાન પ્રાંતનું શેખ જલાલ ગામ સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું. માટીના મકાનો જાણે ખંડેર બની ગયા હતા અને તેમાં કોઈ રહેતું ન હતું. લોકો પોતાના ઘરમાંથી પૂરના પાણીને હટાવતા જોવા મળ્યા હતા. 

  તાલિબાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઉત્તર અફઘાનિસ્તાનના ત્રણ પ્રાંતોમાં આવેલા ભીષણ પૂરમાં અત્યાર સુધીમાં 153 લોકોના મોત થયા છે. હજુ પણ 150થી વધુ લોકો પૂરમાં ફસાયેલા છે. જ્યારે બાગલાન પ્રાંતના 5 જિલ્લા પૂરથી સૌથી વધુ પ્રભાવિત હોવાનું કહેવાય છે, WFPએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનમાં પૂરના કારણે 300 લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તાલિબાનના અધિકારીઓએ અનેક હેલિકોપ્ટર મોકલ્યા છે.

(9:20 AM IST)