<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

પેપરનો ભાવ ઓછો થતા નોટબુકના ભાવમાં ૧૫ ટકાનો ઘટાડો

ત્રણ વર્ષ દરમિયાન ૨૫ થી ૩૦ ટકા ભાવ વધ્‍યો હતો

મુંબઇ,તા. ૧૩: ધોરણ ૧૦ અને ૧૨ના ખૂબ સારા પરિણામ આવતા વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેની સાથે નવા સત્રના આરંભ પહેલા વાલીઓને રાહત થાય તેવા સમાચાર જાણવા મળી રહ્યા છે. આ વર્ષે નોટબુકના ભાવમાં ૧૨થી ૧૫ ટકા જેટલો ઘટાડો જોવા મળનાર છે. પેપરના ભાવમાં ઘટાડો થયો હોય આ વર્ષે નોટબુકમાં ભાવમાં પણ ઘટાડો દેખાશે, એમ સ્‍ટેશનરી વ્‍યવસાય સાથે સંકળાયેલા વર્તુળોનું કહેવું છે.

દર વર્ષે નવા સત્રના આરંભ સાથે વાલીઓ માટે સંતાનોના ચોપડા સહિતની સ્‍ટેશનરી સામગ્રીના વધતા ભાવ ચિંતાનો વિષય બને છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન નોટબુકના ભાવમાં ૨૫થી ૩૦ ટકા વધારો જોવા મળ્‍યો છે. જોકે, આ વખતે ચિત્ર થોડું બદલાયું છે. આ વર્ષે નોટબુકના ભાવમાં ૧૨થી ૧૫ ટકા જેટલો ઘટાડો થયો હોય વાલીઓને મોટી રાહત થશે. સ્‍ટેશનરી મર્ચન્‍ટ એસોસિયેશનના પ્રમુખે જણાવ્‍યું હતું કે, નાની નોટબુક, ફુલસ્‍કેપ (એ-૪) નોટબુક અને બીફાયર નોટબુકનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે. બીફાયર નોટબુક ઈંગ્‍લિશ મીડિયમમાં અને અન્‍ય બે નોટબુકનો રેગ્‍યુલર ઉપયોગ થાય છે. પેપરના ભાવ ઘટયા હોવાથી આ વર્ષે નોટબુકના ભાવમાં ઘટાડો જોવા મળશે. જયારે ટેક્‍સ્‍ટબુકના ભાવમાં ગત વર્ષની તુલનામાં વધુ કોઈ ફેરફાર થયો નથી.

નવા સત્રના આરંભમાં એટલે કે, જૂન-જુલાઈમાં જ ફક્‍ત નોટબુકનો ચારથી પાંચ કરોડ અને બીજી સ્‍ટેશનરી સામગ્રી મળી કુલ વેપાર સાતથી આઠ કરોડની આસપાસ થાય છે. જયારે ટેક્‍સ્‍ટબુકનો વેપાર ત્રણથી ચાર કરોડ જેટલો હોય છે. આ વર્ષે નોટબુકના ભાવ ઘટયા હોય વાલીઓને મોટી રાહત મળી રહેશે.

(9:46 AM IST)