<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

સૌથી વધુ ૫,૫૮૬ મહિલા પ્રસુતિનો નર્સનો વિક્રમ

કુલ ૩૩ વરસ સુધી ગાંધીનગરનાં પેથાપુરમાં નર્સ તરીકે સેવા આપી

નવી દિલ્‍હી,તા.૧૩: દેશમાં વિશ્વ નર્સ દિવસની ઉજવણી થઈ છે ત્‍યારે ગાંધીનગરનાં એક ૫૮ વર્ષનાં નિવૃત્ત સિસ્‍ટર લતાબહેન યાદવની કહાની તમારી સામે મૂકવી છે. કુલ ૩૩ વરસ સુધી ગાંધીનગરનાં પેથાપુરમાં તેઓએ નર્સ તરીકે સેવા આપી હતી. તેઓનાં નામે ગુજરાતમાં સૌથી વધારે ૫,૫૮૬ મહિલા પ્રસૂતિ કરાવવાનો વિક્રમ પણ નોંધાયેલો છે.

લતાબેન ૧૯૯૧ની અંદર સરકારી નર્સ તરીકે જોડાયા હતાં. સૌ પ્રથમ તો તેમને સબ સેન્‍ટર પીંપળજ આપવામાં આવ્‍યું હતું પરંતુ તેઓને અઠવાડિયામાં ત્રણ વખત પેથાપુરનો ચાર્જ આપવામાં આવ્‍યો હતો, ત્‍યારે બન્‍યું એવું કે ત્‍યાં જે સિસ્‍ટર મહિલાઓની પ્રસૂતિ કરાવતા હતા, તેમની ટ્રાન્‍સફર કરી દેવામાં આવી હતી. પછી તો લગભગ દોઢેક વર્ષ સુધી ડીલેવરી માટે કોઈ જ હતું નહીં એટલે ડોક્‍ટર પરેશ ગજ્જરની ભલામણ હેઠળ લતાબહેને પ્રસૂતિ વિભાગ સંભાળી લીધો. ત્‍યારથી લઈને લતા બહેને છે ૨૦૨૨ સુધી મહિલાઓની પ્રસુતિ કરાવવાનું કામ સંભાળ્‍યું.

લતાબહેન કહે છે કે, જયારે મને મારી કામગીરી માટે પહેલો એવોર્ડ એનાયત થયો ત્‍યારે મારા પિતા હાજર હતા. તેમણે મને ગિફટમાં એક ફોન લઈ આપ્‍યો હતો. જે મારા માટે ધન્‍ય પળ હતી. એ નંબર આજે પણ મેં ચાલુ જ રાખ્‍યો છે

તે સમયની અસુવિધાઓને યાદ કરતાં લતાબહેન જણાવે છે કે, તે સમયે જૂનું ક્‍વાર્ટર હતું એટલે એ સમયે પાણી ટપકતું હોય, લાઇટો વારંવાર જતી હોય છતાં ટ્‍યુબલાઇટ લાવી દઈએ કે ફાનસથી કામ ચલાવતા. અડધી રાત્રે પણ કોઈ પેશન્‍ટ દરવાજો ખખડાવે તો મારે જવું પડતું. આખા દવાખાનાંમાં મારુ એક જ ક્‍વાર્ટર હતું ત્‍યાં હું મારા બે બાળકો સાથે રહેતી

લતાબહેને પોતાની સેવા દરમિયાન પ્રસૂતિ, રસીકરણ, કોરોના મહામારી દરમિયાન કામગીરી, નાના બાળકોને પાંચમાં અને દસમાં વર્ષે અપાતી રસી વગેરે અનેક કામગીરીઓ બજાવી છે.

આજે પણ પેથાપુર અને આસપાસનાં વિસ્‍તારોમાંથી જે બાળકોની પ્રસૂતિ કરાવી હતી તે સૌ લતાબહેનને યાદ કરે છે. એકવાર માત્ર ગામમાં જાય તોય લોકો તેમને ભેટી પડે છે.

(1:02 PM IST)