<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

ભારે કરી! ૨૦ દિવસમાં ગામ લોકોએ આ યુવકના બે વાર લગ્ન કરાવી દીધા, એક છોકરાનો પિતા પણ બની ગયો

ફક્‍ત ૧૯ વર્ષની ઉંમરમાં એક યુવક બે-બે પત્‍નીનો પતિ બની ગયો

જમુઇ,તા.૧૩: બિહારમાં બળજબરીપૂર્વક પકડીને લગ્ન કરી દેવાના કિસ્‍સા સતત વધી રહ્યા છે. હાલમાં જ જમુઈ જિલ્લામાંથી આવી ઘટના સામે આવી છે. જયાં એક મહિનામાં એક યુવકના બે વાર લગ્ન કરાવી દીધા. સૌથી મજેદાર વાત એ છે કે, બંને લગ્ન દરમ્‍યાન તે પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્‍યો હતો. આ દરમ્‍યાન બંને વાર તે પકડાઈ ગયો અને ગામ લોકોએ તેના લગ્ન કરાવી દીધા.

આ કિસ્‍સો જમુઈ જિલ્લાના મલયપુર પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારનો છે. જયાં ફક્‍ત ૧૯ વર્ષની ઉંમરમાં એક યુવક બે-બે પત્‍નીનો પતિ બની ગયો. એટલું જ નહીં તે આ વીસ દિવસમાં એક બાળકનો પિતા પણ બની ગયો.

આ કિસ્‍સો જમુઈ જિલ્લાના મલયપુર પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારનો છે. જયાં અક્ષરા ગામના રહેવાસી પ્રદીપ તાંતીના દીકરા ૧૯ વર્ષિય વિનોદ કુમારને લક્ષ્મીપુર પોલીસ સ્‍ટેશનના નવકાડીહ ગામની રહેવાસી પ્રીતિ કુમાર સાથે ફેસબુક પર પ્રેમ થઈ ગયો. પ્રીતિ પહેલાથી પરણેલી હતી અને એક બાળકની મા હતી. પણ પ્રેમમાં પડ્‍યા બાદ બંનેએ આવી વાતોની ચિંતા કર્યા વિના એક દિવસ મળવાનો પ્‍લાન કર્યો અને ૨૨ એપ્રિલે વિનોદ પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે આવી પહોંચ્‍યો.

જો કે આ દરમ્‍યાન વિનોદ સાથે એક મોટો ખેલ થઈ ગયો. વિનોદ પ્રેમિકા સાથે મળી રહ્યો હતો, ત્‍યારે ગામલોકોની નજર તેના પર પડી અને ગામલોકોએ મંદિરમાં લઈ જઈને બંનેના લગ્ન કરાવી દીધા. બાદમાં વિનોદ પ્રીતિને લઈને પોતાના ઘરે આવી ગયો અને પતિ-પત્‍ની માફક રહેવા લાગ્‍યા.

વિનોદના પ્રીતિ સાથે લગ્ન થઈ ગયા, તે સમયે વિનોદનું અફેયર અન્‍ય એક છોકરી સાથે ચાલતું હતું. કહેવાય છે કે વિનોદ ગામમાં ડીજે વગાડવાનું કામ કરતો હતો. આ દરમ્‍યાન ગિરિજા કુમારી નામની છોકરીને ગમતું ગીત ડીજે પર હંમેશા વગાડતો. આ વાતથી આકર્ષાઈને ગિરજાએ વાત કરવાનું શરુ કર્યું. વાતચીત આગળ વધી. ધીમે ધીમે બંને વચ્‍ચે પ્રેમ થયો.

આ દરમ્‍યાન પહેલી પત્‍ની અને પરિવારની છુપાઈને વિનોદ પોતાની પ્રેમિકા ગિરિજાને મળવા તેના ઘરે પહોંચ્‍યો. જો કે આ વખતે પણ વિનોદ પકડાઈ ગયો અને બાદમાં ગામલોકોએ તેને મંદિરમાં લઈ જઈને લગ્ન કરાવી દીધા. ૨૦ દિવસમાં એક યુવકના બે વાર લગ્ન થઈ ગયા. આ કિસ્‍સો સમગ્ર જિલ્લામાં વાયુવેગે ફેલાયો. જો કે, પહેલી પત્‍ની પ્રીતિએ બીજા લગ્ન કર્યા બાદ તેની જાણ પોલીસને કરી દીધી.

તો વળી બીજી પત્‍ની ગિરિજાનું કહેવું છે કે, તેને કોઈ વાંધો નથી અને તે એક જ પરિવારમાં રહી શકે છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, હજુ સુધી લેખિતમાં કોઈ ફરિયાદ મળી નથી. જો અરજી મળશે તો પોલીસ આગળ કાર્યવાહી કરશે.

(9:49 AM IST)