<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

અફઘાનિસ્તાનમાં પૂરે તબાહી મચાવી : મોતનો આંકડો પહોંચ્યો ૩૦૦ને પાર

હજારો ઘરોને નુકસાન : અનેક પરિવારો બેઘર બન્યા : હજારો પશુઓ પણ મૃત્યુ પામ્યા

કાબુલ તા. ૧૩ : અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને પછી અચાનક આવેલા પૂરના કારણે અનેક જિલ્લાઓમાં તબાહી સર્જાઈ છે. વાત જાણે એમ છે કે, અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ લોકોના મોત થયા છે અને હજારો ઘરોને નુકસાન થયું છે. હજારો પરિવારો બેઘર બન્યા છે અને હજારો પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. યુનાઈટેડ નેશન્સ ફૂડ એજન્સીના જણાવ્યા અનુસાર પૂરના કારણે લોકોને ખાદ્ય પદાર્થોની અછતનો સામનો કરવો પડ્યો છે. મોટા પાયે માનવતાવાદી કટોકટી ઊભી થઈ છે. અહેવાલો અનુસાર દેશના ઉત્તરમાં સ્થિત બગલાન પ્રાંતના ૧૦ જિલ્લામાં પૂરથી કુલ ૫૯૯૬ પરિવારો પ્રભાવિત થયા છે. તેમાંથી ૩૯૯૫ પરિવારોના મકાનો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. પૂરમાં ૯૧૬૦ પશુઓના મોત થયા છે, જયારે ૧૯૦૭૦ એકર જમીન ડૂબી ગઈ છે.

યુનિસેફ મુજબ મૃતકોમાં ઓછામાં ઓછા ૫૧ બાળકોનો સમાવેશ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પૂર પીડિતો માટે ૭ ટન દવાઓ અને ઈમરજન્સી કીટ મોકલી છે. સહાય જૂથ સેવ ધ ચિલ્ડ્રનએ જણાવ્યું હતું કે, લગભગ ૬ લાખ લોકો બાગલાનના પાંચ જિલ્લામાં રહે છે, જે પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે. તેઓએ બાળકો અને તેમના પરિવારોને મદદ કરવા માટે મોબાઈલ હેલ્થ અને ચાઈલ્ડ પ્રોટેકશન ટીમો સાથે 'કલીનિક ઓન વ્હીલ્સ' રવાના કર્યા છે.

સ્થાનિક અધિકારી હેદાયતુલ્લાહ હમદર્દે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, સેના સહિત કટોકટી કર્મચારીઓ કાદવ અને કાટમાળ હેઠળ પીડિતોની શોધ કરી રહ્યા છે. ઘર ગુમાવનારા પરિવારોને તંબુ, ધાબળા અને ખોરાક આપવામાં આવ્યો હતો. કાબુલને ઉત્તર અફઘાનિસ્તાન સાથે જોડતો મુખ્ય માર્ગ બંધ છે. અધિકારીઓએ જણાવ્યું કે મુશળધાર વરસાદને કારણે બાગલાન, તખાર અને બદખ્શાન પ્રાંત તેમજ પશ્ચિમી ઘોર અને હેરાત પ્રાંતમાં ભારે નુકસાન થયું છે. આ દેશ ગરીબી સામે ઝઝૂમી રહ્યો છે અને ખેતી પર ખૂબ જ નિર્ભર છે.

યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, અમે અફઘાનિસ્તાનના લોકો સાથે અમારી એકતા વ્યકત કરીએ છીએ અને પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના વ્યકત કરીએ છીએ. તેમના પ્રવકતા સ્ટેફન ડુજારિકે કહ્યું કે, સંયુકત રાષ્ટ્ર સહાય પૂરી પાડવા માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યું છે.

(11:19 AM IST)