<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

નહીં ફાટે ટાયર, એન્‍જિન નહી થાય ગરમ : કઇ રીતે રાખશો કાળઝાળ ગરમીમાં કારની સંભાળ ?

ટાયરમાં હવા ભરાવવાના બદલે નાઇટ્રોજન ભરાવી શકો છો

મુંબઇ તા. ૧૩ : ઉનાળામાં કાળઝાળ ગરમી માણસોને જેટલી પરેશાન કરે છે એટલી જ રસ્‍તા પર દોડતા વાહનો માટે પણ મુસીબત બની જાય છે. ખૂબ જ વધુ ગરમીના કારણે ડામરના રસ્‍તા ઓગાળવા લાગે છે, જેના કારણે પુરપાટ દોડતી ગાડીઓના ટાયર પંચર થવાથી કે ફાટવાથી નુક્‍શાન થાય છે. સાથે જ લાંબો સમય સુધી કાર ડ્રાઈવ કરવાના કારણે ઉનાળામાં એન્‍જીન પણ સામાન્‍ય કરતાં વધુ ગરમ થાય છે. તમને કારને કાળઝાળ ગરમીથી કેવી રીતે બચાવવી તે જણાવીશું.

ગરમીના કારણે ટાયરમાં રહેલી હવા વધુ ગરમ થાય છે અને તેના કારણે ટાયરમાં વધુ પ્રેશર બને છે. આ પ્રેશર ટાયર ફાટવાનું કારણ બને છે. તેનાથી બચવા માટે તમે ટાયરમાં હવા ભરાવવાના બદલે નાઇટ્રોજન ભરાવી શકો છો. નાઇટ્રોજન ભરાવવાના કારણે ટાયર વધુ ગરમી સહન કરવા સક્ષમ બને છે અને ટાયર ફાટવાનું જોખમ ઓછું રહે છે.

ઉનાળામાં લાંબા સમય સુધી કાર ચાલવાના કારણે એન્‍જીન સામાન્‍ય કરતાં વધુ ગરમ થઇ શકે છે. જેના કારણે રસ્‍તામાં જ ગાડી ખરાબ થઇ જાય છે. ગરમીમાં બહારની ગરમ હવા એન્‍જીનને ઠંડુ કરવાને બદલે વધુ ગરમ કરી દે છે. જો તમારે આ પરેશાનીનો સામનો ન કરવો હોય તો વધુ સ્‍પીડમાં ગાડી ન ચલાવો. ધીમી સ્‍પીડમાં ગાડી ચલાવવાથી એન્‍જીન ઓછું ગરમ થશે અને તેનું ટેમ્‍પરેચર વધશે નહીં.

ગાડીનું એન્‍જીન ઠંડુ રાખવામાં રેડિએટરનો રોલ મહત્‍વનો હોય છે. ગાડી ચલાવતા પહેલાં એ ચકાસી લો કે રેડિએટરમાં કૂલન્‍ટ પૂરતી માત્રામાં છે કે નહીં અને કોઈ લીકેજ છે કે કેમ. રેડિએટરમાં માત્ર પાણીના બદલે એથિલિન ગ્‍લાઈકોલનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે. જે સામાન્‍ય પાણીની સરખામણીએ વધુ તાપમાને ઉકળે છે, જેનાથી એન્‍જીન ગરમ થવાથી બચે છે.

ગરમીની ઋતુમાં એસી એક વરદાનની જેમ કામ કરે છે. જોકે, ગાડીમાં તેનો ઉપયોગ સમજદારી પૂર્વક કરવો જોઈએ. કાર ચલાવતી વખતે એસી ચાલુ હોય અને વિન્‍ડો બંધ હોય તો ગાડીમાં જ ઠંડી હવા રહે છે. જો તમારી કારમાં વેન્‍ટિલેટેડ સીટો ન હોય તો સીટ પર ગાદી કે ચટાઈનો ઉપયોગ કરવાથી ગરમી શરીર સુધી આવવાનું બંધ થઇ જાય છે.

આમ તમે સમયાંતરે એન્‍જીન, ટાયર, એસી અને રેડિએટરને ચેક કરતા રહેશો અને ગાડીમાં આવતા પ્રંબ્‍લેમ્‍સને સોલ્‍વ કરતા રહેશો તો ઉનાળામાં કાર તમને રસ્‍તા વચ્‍ચે નહીં મૂકે અને તમે ગરમીની ઋતુમાં પણ આરામદાયક યાત્રા કરી શકો.

(1:09 PM IST)