<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

સૌરાષ્‍ટ્રના અનેક યાત્રિકો ગંગોત્રી-યમનોત્રી યાત્રામાં ફસાયાઃ રજીસ્‍ટ્રેશન બંધ કરાયુ

ચારધામ યાત્રામાં જતા યાત્રિકોની સંખ્‍યા વધી ગઇ : તંત્ર દ્વારા ભાવિકોની ભીડ કાબુમાં લેવા ર૩ મી સુધી રજીસ્‍ટ્રેશન પ્રક્રિયા બંધ

નવી દિલ્‍હી, તા. ૧૩ : આ વર્ષે ચારધામ યાત્રાનો પ્રારંભ થવાની સાથે જ વિક્રમી સંખ્‍યામાં યાત્રિકો યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ પહોચી રહ્યાં છે. મોટી સંખ્‍યામાં યાત્રિકો ઉમટી પડતા તંત્ર દ્વારા યાત્રિકો માટે કરાયેલ વ્‍યવસ્‍થા ખોરવાઈ જવા પામી છે. જેના કારણે ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા માટે ઓફલાઈન રજીસ્‍ટ્રેશન આગામી ૨૩મી મે સુધી બંધ કરી દેવામાં આવી છે. એનો મતલબ એ થયો કે, જે લોકોએ અત્‍યાર સુધીમાં ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હશે તે જ યાત્રિકોને ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા કરવા મળશે. હરિદ્વારથી ઓફલાઈન રજીસ્‍ટ્રેશન કરાવીને યાત્રા કરવા ઈચ્‍છતા યાત્રિકો ૨૩ મી મે સુધી આ બન્ને ધામના દર્શને નહીં જઈ શકે.

ચારધામ યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ હેરાન પરેશાન થયા હોવાના અહેવાલ સામે આવ્‍યા છે. યાત્રાધામના માર્ગ ઉપર

એકાએક ટ્રાફિક વધી જતા વાહનોની ૨થી ૪ કિલોમીટર સુધી લાંબી કતાર લાગી જવા પામી છે. યાત્રાએ ગયેલા યાત્રાળુઓમાંથી મોટાભાગના ગુજરાતી અને સૌરાષ્‍ટ્રના વતની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગંગોત્રી-યમનોત્રીમાં ભારે ટ્રાફિકના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સરકારી તંત્ર દ્વારા યાત્રાળુઓને માર્ગમાં રોકી દેવામાં આવ્‍યા છે. જેથી ઉપર જઈ રહેલા અને નીચે ઉતરી રહેલા વાહનોને કોઈ વધુ મુશ્‍કેલીનો સામનો ના કરવો પડે.

(4:13 PM IST)