News of Monday, 13th May 2024
મોદી સરકારમાં ઇડીએ ૨૨૦૦ કરોડ જપ્ત કર્યા : ચોરોની ઉંઘ હરામ કરી : નરેન્દ્રભાઇ
તમારો વોટ મજબુત સરકાર - દેશ - બાળકો માટે આપો : બિહારને જંગલરાજ બનાવ્યુ : પીએમ મોદીના વિપક્ષ પર પ્રહાર કોંગ્રેસના ૧૦ વર્ષમાં માત્ર ૩૫ લાખ પકડી ચોરોને ચોરી કરવા મોકળુ મેદાન મળેલ : વડાપ્રધાનના બિહારના હાજીપુરમાં ચાબખા

પટના તા. ૧૩ : નરેન્દ્રભાઇ આજે બિહારના પ્રવાસે છે. તેમણે આજે સવારે ગુરૂદ્વારા પટના સાહીબ ખાતે શિશ ઝુકાવી લંગર સેવા પણ કરી હતી. ત્યારબાદ નરેન્દ્રભાઇએ હાજીપુરમાં વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું.
નરેન્દ્રભાઇએ વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, એનડીએને આપેલ વોટ કેન્દ્રમાં મોદીની મજબુત સરકાર બનાવશે. આરજેડી, કોંગ્રેસ કે ઇડી ગઠબંધનને આપેલ વોટ તો એમ પણ બેકાર થઇ જશે. એટલે તમારો વોટ સરકાર બનાવવા માટે આપો, દેશને બનાવવા માટે આપો, તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપો.
સામાજીક ન્યાયના નામ પર લાલટેનવાળાએ બિહારમાં ઘણું નુકસાન કર્યું. આ લોકોએ બિહારના લોકોને ગરીબી અને અભાવમાં ધકેલી દીધા, જંગલરાજ આપ્યું. આ લોકોએ બધાને બરબાદ કરી અને ખુદ પોતાના આલીશાન મહેલ ઉભા કરી દીધા.
આરજેડી હોય કે કોંગ્રેસ આ બંને પક્ષોએ તુષ્ટીકરણને પોતાનું સૌથી મોટું રાજનીતિક હથીયાર બનાવ્યુ઼ છે. આજકાલ તમે જોતા હશે ઇડી એ લાયન્સનો દરેક પક્ષ રામ મંદિર માટે અશોભનીય બોલી રહ્યા છે. તે રામ મંદિરને ગાળો આપીને, તેનો બહિષ્કાર કરીને તમને ચઢાવે છે. શું આવા લોકોને તમે માફ કરશો ?
હું તમને ગેરેન્ટી આપું છું કે, જ્યાં સુધી મોદી જીવીત છે તેઓ તમારા અધિકારો પર તરાપ નહીં મારી શકે, તે તમારા આરક્ષણને છીનવી નહી શકે. એ સમય ચાલ્યો ગયો જ્યારે તમે મહિલાઓને મળનાર આરક્ષણના કાગળ ફાડી નાખ્યા હતા.
બિહારમાં જંગલરાજ લાવનાર જે વ્યકિત છે, જેને ચારા કૌભાંડમાં કોર્ટે ગુનેગાર માની સજા આપી છે, તેમણે એક નિવેદનમાં જણાવેલ કે, મુસલમાનોને આરક્ષણ આપવું જોઇએ એ પણ પુરેપુરૂ. એટલે દલીતો, પછાતો અને આદીવાસીઓને મળનાર પુરૂ આરક્ષણ તે હવે મુસલમાનોને આપવા માંગે છે.
કોંગ્રેસના ૧૦ વર્ષમાં ઇડીએ સમગ્ર દેશમાં ફકત ૩૫ લાખ જપ્ત કર્યા અને ચોરી કરવાવાળા ચોરી કરતા રહ્યા. જ્યારે મોદી સરકારના ૧૦ વર્ષમાં ૨૨૦૦ કરોડ જપ્ત થયા છે. ચોરોની ઉંઘ ઉડી ગઇ છે. એટલા માટે આ લોકો મોદીને ગાળો આપે છે.
નરેન્દ્રભાઇ આજે હાજીપુરમાં સંબોધન કર્યા બાદ બિહારના મુઝફફરપુર અને સારણમાં પણ સભાને સંબોધી હતી. જ્યારે સાંજે વારણસી ખાતે પં.મદન મોહન માલવીયાજીને પુષ્પાંજલી અર્પી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરી ભવ્ય રોડ-શો યોજનાર છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
