<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદીનું કેન્સરથી નિધન: દેશભરના નેતાઓએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો

સુશીલ મોદી છેલ્લા કેટલાક મહિનાઓથી કેન્સરથી પીડિત હતા: અમિતભાઇ શાહે કહ્યું -બિહારે રાજકારણના એક મહાન નેતાને કાયમ માટે ગુમાવ્યો

 

બિહાર ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીનું નિધન થયું છે. સુશીલ મોદીના નિધન પર દેશભરના તમામ નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહે ટ્વિટર પર લખ્યું કે તેઓ અમારા વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીના નિધનના સમાચારથી દુખી છે. આજે બિહારે રાજકારણના એક મહાન નેતાને કાયમ માટે ગુમાવ્યો છે.

  અમિતભાઈ  શાહે આગળ લખ્યું કે એબીવીપીથી લઈને બીજેપી સુધી સુશીલ મોદીજીએ સંગઠન અને સરકારમાં ઘણા મહત્વના હોદ્દા સંભાળ્યા છે. તેમનું રાજકારણ ગરીબો અને પછાત લોકોના હિતને સમર્પિત હતું. તેમના નિધનથી બિહારના રાજકારણમાં જે ખાલીપો ઉભો થયો છે તે લાંબા સમય સુધી પુરી શકાશે નહીં. આ દુખની ઘડીમાં સમગ્ર ભાજપ તેમના શોકગ્રસ્ત પરિવારની સાથે છે

   શોક વ્યક્ત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીનું લાંબુ જાહેર જીવન જનતાની સેવા અને ગરીબોના કલ્યાણને સમર્પિત હતું. તેમણે બિહારમાં ભાજપને મજબૂત અને લોકપ્રિય બનાવવા માટે સખત મહેનત કરી. બિહારના વિકાસ માટે તેમનું કાર્ય હંમેશા યાદ રાખવામાં આવશે. 

  ગિરિરાજ સિંહે કહ્યું કે સુશીલ મોદીજીનું નિધન આપણા બધા માટે એક મોટા આઘાતથી ઓછું નથી. બિહાર ભાજપ અને બિહારને આગળ લઈ જવામાં પાર્ટી અને રાજ્ય તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.

  બિહારના વર્તમાન ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સુશીલ મોદીના નિધનની માહિતી આપી હતી. આ સાથે તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે બિહાર બીજેપી માટે આ એક અપુરતી ખોટ છે. તમને જણાવી દઈએ કે સુશીલ મોદી 72 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા.

(12:16 AM IST)