<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

જથ્‍થાબંધ ફુગાવો ૧૩ મહિનાની ઉચ્‍ચ સપાટીએ : એપ્રિલમાં ૧.૨૬ ટકા નોંધાયો

ખાદ્ય ચીજવસ્‍તુઓ, વીજળી, ક્રુડ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ ઉત્‍પાદિત ખાદ્ય ચીજવસ્‍તુઓ અને અન્‍ય ઉત્‍પાદિત વસ્‍તુઓના ભાવમાં વધારો થવાને કારણે થયો

નવી દિલ્‍હી તા. ૧૪ : એપ્રિલમાં વાર્ષિક ધોરણે જથ્‍થાબંધ ફુગાવો ૧.૨૬%ના ૧૩ મહિનાના ઉચ્‍ચ સ્‍તરે પહોંચ્‍યો હતો. માર્ચમાં તે ૦.૫૩% હતો. વાણિજય મંત્રાલયે  આ સંબંધિત ડેટા જાહેર કર્યો. નિષ્‍ણાતોએ જથ્‍થાબંધ મોંઘવારી દર ૧% રહેવાનો અંદાજ મૂક્‍યો હતો. જથ્‍થાબંધ ફુગાવાના દરમાં આ વધારો ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે થયો છે.

એપ્રિલ મહિનામાં ડુંગળીના ભાવમાં વૃદ્ધિ દર ૫૯.૭૫% હતો જે માર્ચ મહિનામાં ૫૬.૯૯% હતો. જયારે બટાકાના કિસ્‍સામાં, ભાવ વૃદ્ધિ દર ૭૧.૯૭% હતો, માર્ચ મહિનામાં તે ૫૨.૯૬% હતો. એક વર્ષ અગાઉની સરખામણીએ, તે સમયગાળા દરમિયાન ડુંગળીના ભાવમાં ૫.૫૪%નો ઘટાડો થયો હતો, જયારે બટાકાના ભાવમાં ૩૦.૫૬%નો વધારો થયો હતો.

ખાદ્ય ચીજવસ્‍તુઓનો જથ્‍થાબંધ મોંઘવારી દર વાર્ષિક ધોરણે ૫.૫૨% વધ્‍યો હતો, જે માર્ચ મહિનામાં ૪.૭% વધ્‍યો હતો. માસિક ધોરણે, માર્ચ મહિનાના ૦.૯૫%ની સરખામણીએ તેમાં ૧.૯૪%નો વધારો થયો છે. સરકારના જણાવ્‍યા અનુસાર એપ્રિલ મહિનામાં જથ્‍થાબંધ મોંઘવારી દરમાં વધારો મુખ્‍યત્‍વે ખાદ્ય ચીજવસ્‍તુઓ, વીજળી, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ઉત્‍પાદિત ખાદ્ય ચીજવસ્‍તુઓ અને અન્‍ય ઉત્‍પાદિત ચીજવસ્‍તુઓના ભાવમાં વધારો થવાને કારણે થયો છે.

મેન્‍યુફેકચર્ડ પ્રોડકટ માટે ૨૨ એનઆઇસી ડબલ ડિજીટ સમૂહોમાંથી ૧૫ સમૂહોમાં કિંમતોમાં વધારો થયો. જ્‍યારે બે સમૂહોમાં કોઇ બદલાવ થયો નહિ. બેઝ મેટલ, અન્‍ય વિનિર્માણ, કપડા, ખાદ્ય ઉત્‍પાદકો અને રસાયણ તેમજ રાસાયણિક ઉત્‍પાદકો વગેરેની કિંમતોમાં મહીને દર મહિનાના આધારે વધારો જોવા મળ્‍યો. ખનિજ ઉત્‍પાદન, કાગળ અને કાગળ ઉત્‍પાદન, મોટરવાહી, ફર્નીચર અને ચામડુ અને સંબંધિત ઉત્‍પાદકોની કિંમતોમાં ઘટાડો નોંધાયો.

(3:01 PM IST)