<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

પીએમ મોદી પાસે કેટલી પ્રોપર્ટી છે : કેટલો ટેક્સ ચૂકવે છે?: જાણો દરેક પ્રકારની વિગત

વડાપ્રધાન મોદીએ વારાણસી સંસદીય બેઠક પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી સંસદીય બેઠક પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. પીએમ મોદીએ મંગળવારે  4 પ્રસ્તાવકો અને સીએમ યોગીની હાજરીમાં નામાંકન પત્ર ભર્યું. તેના સમર્થકોમાં ગણેશ્વર શાસ્ત્રી, બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહ અને સંજય સોનકરનો સમાવેશ થાય છે. પીએમ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર, 2014 અને 2019 વચ્ચે તેમની જંગમ સંપત્તિમાં 52 ટકાનો વધારો થયો છે

   પીએમ મોદીએ દાખલ કરેલા સોગંદનામામાં દાવો કર્યો હતો કે તેમની કુલ સંપત્તિ 3,02,06,889 રૂપિયા છે, જેમાં 2,85,60,338 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે. તેની પાસે જ્વેલરી તરીકે ચાર સોનાની વીંટી પણ છે. તેમની કિંમત 2,67,750 રૂપિયા છે. પીએમ મોદીની મોટાભાગની જંગમ સંપત્તિ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 1.27 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝીટના રૂપમાં છે.

  પીએમ મોદીએ નેશનલ સેવિંગ સ્કીમમાં ₹9,12,398નું રોકાણ કર્યું છે.

એફિડેવિટમાં પીએમ મોદીએ દર વર્ષે કેટલો ઈન્કમ ટેક્સ ભરે છે તેની માહિતી પણ આપી હતી. એફિડેવિટ અનુસાર, પીએમ મોદીએ નાણાકીય વર્ષ 2023-24માં 3 લાખ 33 હજાર 179 રૂપિયાનો આવકવેરો ચૂકવ્યો છે. એફિડેવિટ મુજબ વડાપ્રધાન મોદીની આવકનો પ્રાથમિક સ્ત્રોત તેમનો સરકારી પગાર અને તેમની બચત પર મળતું વ્યાજ છે.

પીએમ મોદીએ દાખલ કરેલા સોગંદનામા મુજબ, તેમની પાસે ન તો કોઈ ઘર છે કે ન તો કોઈ કાર.

  વડાપ્રધાન મોદી પાસે કુલ 52 હજાર 920 રૂપિયાની રોકડ છે. પીએમના ગાંધીનગર, ગુજરાતના બેંક ખાતામાં કુલ 73,304 રૂપિયા અને વારાણસીના બેંક ખાતામાં કુલ 7000 રૂપિયા જમા છે.

  વડાપ્રધાન મોદીએ 1967માં ગુજરાત બોર્ડમાંથી SSC કર્યું હતું. 1978માં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસની ડિગ્રી લીધી. તો 1983માં પીએમ મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી.

(9:52 PM IST)