News of Tuesday, 14th May 2024
છત્તીસગઢના બીજાપુરમાં ૩૦ નક્સલીઓનું આત્મસમર્પણ
નક્સલીઓ વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશનઃઆ નક્સલવાદીઓમાંથી નવ પર ૩૯ લાખનું ઈનામ હતું

છત્તીસગઢ,તા.૧૪
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીવાદીઓ સાથેની અથડામણની ઘટનાઓ વચ્ચે ૩૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ નક્સલવાદીઓમાંથી નવ પર ૩૯ લાખનું ઈનામ હતું. આ નક્સલીઓ બીજાપુર એસપી, સીઆરપીએફના ડીઆઈજી સહિત વરિષ્ઠ પોલીસ અધિકારી સમક્ષ કાયદાની મુખ્યધારામાં જોડાયા છે. આ ઉપરાંત તેમને પુનર્વસન હેઠળ ૨૫-૨૫ હજાર રોકડ પણ અપાઈ છે. આ નક્સલીઓમાં જનતાનાર સરકારનો અધ્યક્ષ અને ડીએકેએએમએસનો અધ્યક્ષ પણ સામેલ છે.ઉલ્લેખનીય છે કે, બીજાપુરમાં પીડિયાના જંગલોમાં શુક્રવારે (૧૦ મે) સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૧૨ નક્સલવાદીઓ ઠાર થયા હતા. ઘટનામાં બે જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી અને હથિયારો જપ્ત કર્યા હતી. રાબેતા મુજબ સુકમા, બીજાપુર અને દંતેવાડાની ડીઆરજી કોબરાની ૨૧૦ બટાલિયન અને એસટીએફના જવાનો દ્વારા સર્ચઓપરેશન ચાલી રહ્યું છે. તે દિવસે જવાનોને સૂચના મળી હતી કે, ગંગાલૂર પોલીસ સ્ટેશન ક્ષેત્રના પીડિયા વિસ્તારમાં નક્સલીઓના ટોચના કમાન્ડર લિંગા, પાપારાવ સહિત મોટા લીડર્સો જંગલમાં છે. આ ઉપરાંત નક્સલવાદીઓની ટીમમાં DKSJC, DVCM તેમજ ACM કેડરના મોટા નક્સલવાદીઓ પણ હાજર છે. આ સૂચના મળ્યા બાદ પડોશી જિલ્લાના દંતેવાડા, સુકમા તેમજ બીજાપુરથી STF, DRG, CRPF તેમજ કોબરા બટાલિયનના ૧૨૦૦ જવાનો સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા છે. નક્સલવાદનો ખાતમો કરવા માટે રાજ્યમાં સ્પેશિયલ ઓપરેશન ચાલી રહ્યું છે. રિપોર્ટ મુજબ એપ્રિલ-૨૦૨૪ સુધીમાં ૮૦ નક્સલીઓ માર્યા ગયા છે અને ૧૨૫થી વધુની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ૧૫૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર, ૨૦૦૪-૧૪ની સરખામણીમાં ૨૦૧૪-૨૩માં દેશમાં ઉગ્રવાદને લગતી હિંસામાં ૫૨ ટકાનો ઘટાડો થયો છે. છત્તીસગઢમાં નવી સરકારની રચના સાથે જ નક્સલીઓ સામે સ્પેશિયલ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૩માં નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કર્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલીઓ વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન ચલાવવાનો આદેશ આપ્યો હતો. એક વિશેષ સમિતિ પણ બનાવવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બીએસએફ, ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર જનરલ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સુરક્ષા દળોએ ૨૦૧૪થી નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં કેમ્પ બનાવવાનું શરૃ કર્યું હતું. વર્ષ ૨૦૧૯ પછી ૨૫૦થી વધુ કેમ્પ બનાવવા આવ્યા હતા. ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર, વર્ષ ૨૦૧૪-૨૩ની સરખામણીમાં વર્ષ ૨૦૦૪-૧૪માં નક્સલવાદી હિંસાની ઘટનાઓ ૧૪૮૬૨થી ઘટીને ૭૧૨૮ થઈ ગઈ છે. વર્ષ ૨૦૦૪-૧૪ની સરખામણીમાં ૨૦૧૪-૨૩માં સુરક્ષા કર્મચારીઓના મૃત્યુની સંખ્યામાં ૭૨ ટકાનો ઘટાડો થયો છે. આ સંખ્યા ૧૭૫૦ થી ઘટીને ૪૮૫ થઈ ગઈ છે. આ ઉપરાંત સામાન્ય લોકોના મૃત્યુની સંખ્યા ૪૨૮૫થી ૬૮ ટકા ઘટીને ૧૩૮૩ થઈ ગઈ છે. વર્ષ ૨૦૧૦માં હિંસાગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ૯૬ હતી. વર્ષ ૨૦૨૨માં તે ૫૩ ટકા ઘટીને ૪૫ થઈ હતી. છેલ્લા પાંચ વર્ષમાં ૯૦ જિલ્લાઓમાં ૫૦૦૦થી વધુ પોસ્ટ ઓફિસની સ્થાપના કરવામાં આવી છે,જ્યા નક્સલીઓ સક્રિય હતા.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
