News of Tuesday, 14th May 2024
કંગના રનૌત પાસે 91 કરોડથી વધુની સંપત્તિ: છ કિલોથી વધુ સોનાના અને 60 કિલો ચાંદીના આભૂષણો; ત્રણ FIR
કંગનાની પાસે ચંડીગઢના જીરકપુરમાં ચાર, કુલ્લૂના મનાલી અને મહારાષ્ટ્રના બાંદ્રામાં એક એપાર્ટમેન્ટ:બાંદ્રાના એપાર્ટમેન્ટની કિંમત 23.98 કરોડ

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે મંગળવારે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું છે. પહેલી વખત રાજકારણમાં પોતાનું નસીબ અજમાવવા ઉતરેલી કંગના રનૌત પાસે 91 કરોડથી વધુની સંપત્તિ છે. ચૂંટણી એફિડેવિટ મુજબ કંગનાએ પોતાની જંગમ અને સ્થાવર સંપત્તિ 91 કરોડ 66 લાખ દેખાડી છે. જેમાં જંગમ સંપત્તિ 28.73 કરોડ અને સ્થાવર સંપત્તિ 62.92 કરોડ છે. કંગના પર 17.38 કરોડની લોન પણ છે.
કંગના રનૌત મોંઘી લક્ઝરી કારનો શોખ ધરાવે છે. તેની પાસે બે મર્સિડીઝ અને એક બીએમડબલ્યૂ સહિત ચાર કાર છે. જેમાં 3.91 કરોડ અને 58.65 લાખ ની મર્સિડીઝ અને 98.25 લાખની બીએમડબ્લ્યૂ કાર છે. કંગના પાસે 8 બેંક ખાતા અને 50 LIC પોલિસી છે.કંગનાએ શેર માર્કેટમાં લગભગ એક કરોડ 21 લાખ રુપિયાનું રોકાણ કર્યું છે. તેણે ફિલ્મી કંપનીઓ સહિત 11 લોકોને પર્સનલ લોન પણ આપી છે.
કંગનાની પાસે છ કિલોથી વધુ સોનાના આભૂષણ છે, જેની કિંમત લગભગ પાંચ કરોડ રુપિયા છે. તેની પાસે 60 કિલો ચાંદીના આભૂષણ છે, જેની કિંમત 50 લાખ છે. આ ઉપરાંત કંગના પાસે ત્રણ કરોડની કિંમતના ડાયમંડ પણ છે. તેની પાસે બે લાખ રોકડા છે. કંગનાની પાસે ચંડીગઢના જીરકપુરમાં ચાર, કુલ્લૂના મનાલી અને મહારાષ્ટ્રના બાંદ્રામાં એક એપાર્ટમેન્ટ છે. બાંદ્રાના એપાર્ટમેન્ટની કિંમત 23.98 કરોડ અને મનાલીના એપાર્ટમેન્ટની કિંમત 4.97 કરોડ છે. આ ઉપરાંત મુંબઈમાં અનેક રહેણાંક ભવન પણ છે. કંગનાએ નાણાકીય વર્ષ 2022-23ના આવકવેરા રિટર્નમાં પોતાની વાર્ષિક આવક 4.12 કરોડ દેખાડી છે.
કંગના વિરુદ્ધ મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત બે પોલીસ સ્ટેશનમાં ત્રણ FIR નોંધાઈ છે. જેમાંથી બે મામલા માનહાનિ અને એક કોપીરાઈટ તેમજ ધાર્મિક ભાવનાઓને ભડકાવવા સાથે જોડાયેલી છે. જો કે કંગના એક પણ કેસમાં દોષી જાહેર નથી થઈ. 37 વર્ષની કંગનાએ 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેણે વર્ષ 2003માં ડીએવી મોડલ સ્કૂલ ચંડીગઢથી 12મું પાસ કર્યું છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
