<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

૧૪ રાજયોમાં ''અગ્નિવર્ષા'': લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા

સૂર્યદેવ કોપાયમાનઃ ચામડી દઝાડતી લુથી પરેશાની : દિલ્હીમાં ૪૨ ડિગ્રી, આવતા અઠવાડીયે ૪૪ થવાની શકયતા

નવી દિલ્હી તા.૧૬: દિલ્હી એનસીઆર સહિત દેશના કેટલાય ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે. રાજસ્થાનના જેસલમેરમાં મહતમ તાપમાન ૪૪ ડીગ્રીની ઉપર ગયું છે. જયારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મહતમ તાપમાન ૪૨ ડીગ્રીથી ઉપર ગયું હતું. હવામાન વિભાગ અનુસાર, આજે દિવસમાં આકાશ ચોખ્ખુ રહેવાની અને ૨૦ થી ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શકયતા છે. તો સ્કાયમેટ અનુસાર, દિલ્હીમાં આ સપ્તાહના અંતમાં તાપમાન ૪૪ ડીગ્રીએ પહોંચી શકે છે.

હવામાન વિભાગ તરફથી અપાયેલ માહીતી અનુસાર, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉપ.હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, કોંકણ, ગોવા, સોૈરાષ્ટ્ર અને કચ્છમાં આવતા ૨૪ કલાક દરમ્યાન લુ (હિટવેવ)ની શકયતા છે. આ ઉપરાંત દિલ્હી, ચંડીગઢ, ઝારખંડ અને ઓરીસ્સામાં પણ હિટવેવનું એલર્ટ જાહેર કરાયું છે. ૧૯ મે સુધી અહીં ગરમીમાં કોઇ રાહત મળવાની આશા નથી.

હવામાન વિભાગે ૧૭-૧૮ મે એ રાજસ્થાનમાં ભીષણ ગરમીની ચેતવણી આપતા ઓરેંજ એલર્ટ જાહેર કર્યુ છે. ૧૭-૧૮ મે એ પશ્ચિમ રાજસ્થાનમાં ૪૫-૪૬ ડીગ્રી તાપમાન સાથે ભીષણ ગરમીની શકયતા છે. મધ્ય મહારાષ્ટ્ર, વિર્દભ અને મરાઠવાડામાં ૧૯ મે સુધી ગાજવીજ અને ઝડપી પવન (૪૦ થી ૬૦ કિલોમીટર પ્રતિકલાક) સાથે છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ થશે. અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેંડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. તો અરૂણાચલપ્રદેશ અને આસામ તથા મેઘાલયમાં ૧૬ થી ૧૮ મે સુધી ભારે વરસાદની શકયતા છે.

(12:43 PM IST)