News of Friday, 17th May 2024
રામ કાજની પ્રેરણા રાષ્ટ્ર કાજ માટેઃ નરેન્દ્રભાઇ
ઉત્તરપ્રદેશમાં વડાપ્રધાનનો ઝંઝાવતી પ્રચારઃ જનસભામાં કોંગ્રેસ-સપા પર તુટી પડયા દેશ અને વિશ્વ જાણે છે કે મોદી સરકારની હેટ્રીક થઇ રહી છેઃ પીએમ મોદી

લખનૌ તા. ૧૭: નરેન્દ્રભાઇ આજે યુપી અને મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ યુપીમાં ત્રણ અને મહારાષ્ટ્રમાં એક જનસભાને સંબોધીત કરનાર છે. નરેન્દ્રભાઇએ પાંચમા તબકકાના મતદાન પહેલા આજે સૌ પ્રથમ યુપીના બારાબંકીમાં સભાને સંબોધન કરી વિપક્ષ પર તીખા પ્રહારો કર્યા હતા.
નરેન્દ્રભાઇએ જણાવેલ કે ૪ જુન હવે દુર નથી. આજે આખો દેશ અને સમગ્ર વિશ્વ જાણે છે કે મોદી સરકારની હેટ્રીક બનવા જઇ રહી છે. નવી સરકારમાં મારે ગરીબો, યુવાઓ, મહિલાઓ, ખેડૂતો માટે મોટા નિર્ણયો લેવા છે. એટલે જ હું આજે બારાબંકી અને મોહનલાલ ગંજના લોકોના આશીર્વાદ લેવા આવ્યો છું.
આજે એક તરફ દેશહિત માટે સમર્પીત ભાજપ-એનડીએ ગઠબંધન છે અને બીજી તરફ દેશમાં અસ્થીરતા ઉભી કરવા માટે ઇંડી ગઠબંધન મેદાનમાં છે. જેમ-જેમ ચૂંટણી આગળ વધી રહી છે તેમ-તેમ આ ઇંડીવાળા પત્તાની જેમ વિખેરાવાના શરૂ થઇ ગયા છે.
આજે બબુઆજી એટલે સમાજવાદી શહેજાદે છે તેમણે હવે એક નવી ફઇબાની શરણ લીધી છે. તેમના નવા ફઇબા બંગાળમાં છે. હવે તેમની બંગાળવાળી ફઇબાજીએ ઇંડી ગઠબંધનવાળાને બહારથી ટેકો આપવાનું જણાવાયું છે. આ ગઠબંધનની એક પાર્ટીએ બીજી પાર્ટીને કહ્યું છે કે ખબરદાર પંજાબમાં અમારા વિરૂધ્ધ બોલ્યું છે તો પીએમ પદને લઇને પણ આ બધા મુંગેરીલાલને પણ પાછળ છોડી રહ્યા છે.
તેમના સપનાની ઊંચાઇ તો જોવો, કોંગ્રેસના એક નેતાએ કહી દીધું કે રાયબરેલીના લોકો પીએમ ચૂંટશે. આ સાંભળતા જ સમાજવાદી શહેજાદાનું હૃદય તુટી ગયું, બસ આંસુ ન નિકળ્યા પણ હૃદયના અરમાનો વહી ગયા. તમારે કામ કરવાવાળા અને તમારૂં ભલું કરવાવાળા સાંસદ જોઇએ. પ વર્ષ મોદીને ગાળો દેવાવાળા નહીં. વિસ્તારનો વિકાસ કરવા વાળા જોઇએ. એટલા માટે તમારી પાસે એક જ વિકલ્પ છે. કમળ.
શું તમે ૧૦૦ સીસીના એન્જીનથી ૧ હજાર સીસીની ઝડપ લઇ શકો ? તમારે વિકાસની ઝડપ જોઇએ તો ફકત દમદાર સરકાર જ આપી શકે છે. ભાજપની સરકાર જ આપી શકે છે. અહીં સપાના મોટા નેતાએ રામનવમીએ જ રામ મંદિરને બેકાર રહ્યું હતું. કોંગ્રેસ તો રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય પલટવાની પેરવીમાં છે. તેમના માટે પોતાનો પરિવાર અને પાવર જ મહત્વના છે.
સપા-કોંગ્રેસવાળા જો સરકારમાં આવ્યા તો રામલલ્લાને ફરીથી ટેન્ટમાં મોકલી દેશે અને રામ મંદિર પર બુલડોઝર ચલાવી દેશે. તેમના માટે તેમની વોટ બેંકથી વધુ મોટું કાંઇ નથી. પણ હું જયારે તેમની પોલ ખોલું છું ત્યારે તેઓ બેચેન થઇ જાય છે, તેમની ઊંઘ હરામ થઇ જાય છે. તેઓ કંઇ પણ બોલવા લાગે છે, ગાળો દેવાનું શરૂ કરી દે છે.નરેન્દ્રભાઇએ વધુમાં પ્રહાર કરેલ કે, જયારે બંધારણ બન્યું ત્યારે બંધારણ સભામાં નિર્ણય કરાયેલ કે, ધર્મ આધારે આરક્ષણ નહીં થાય. પણ ૧૦ વર્ષ પહેલા કોંગ્રેસે ધર્મના આધારે આરક્ષણ આપવાની કોશીશ કરી હતી. કર્ણાટકમાં તો કરી પણ દીધું છે. ઓબીસીના આરક્ષણમાંથી તેમણે મોટો ભાગ લૂંટી લીધો છે.અંતમાં નરેન્દ્રભાઇએ જણાવેલ કે, તેમની વોટબેંક પણ તેમની હકીકત જાણી ચૂકી છે. ત્રીપલ તલ્લાકથી ખુશ માતાઓ-બહેનો ભાજપને સતત આશીર્વાદ આપે છે. રામ કાજથી આગળ હવે રાષ્ટ્ર કાજનો સમય છે. રામ કાજની પ્રેરણા રાષ્ટ્રકાજ માટે છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
