<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

સીએમ હાઉસના CCTV ફૂટેજ ગાયબ, વિભવનો ફોન પણ ફોર્મેટ કરી પુરાવાનો નાશ કરવાના પ્રયત્‍ન મામલે વિભવ કુમારેની દિલ્‍હી પોલીસ દ્વારા ધરપકડ

દિલ્હીની તીસ હજારી કોર્ટે વિભવ કુમારને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્‍યાઃ ડેટા રીકવર કરવા માટે ફોન નિષ્ણાતો પાસે મોકલવામાં આવ્યો

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલસાથે દિલ્હીના સીએમ હાઉસમાં કથિત રીતે થયેલી મારપીટના મામલામાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસે બિભવ કુમાર ની ધરપકડ કરી છે અને દિલ્હીની તીસ હજારી કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. જાણકરી મુજબ વિભવ કુમારે તેનો ફોન ફોર્મેટ કરી દીધો છે. સીએમ હાઉસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ સાથે છેડછાડ કરવામાં આવી છે. ઘટના સમયેના સીસીટીવી ફૂટેજ બ્લેન્ક જોવા મળે છે.

મુંબઇમાં તેમનો ફોન ફોર્મેટ કરી દીધો હતો. પોલીસનું કહેવું છે કે વિભવ ફોનનો પાસવર્ડ પણ નથી જણાવી રહ્યો. ડેટા રીકવર કરવા માટે ફોન નિષ્ણાતો પાસે મોકલવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસે એમ પણ કહ્યું છે કે તેમને હજુ સુધી સીએમ હાઉસમાંથી CCTV DVR આપવામાં આવ્યું નથી. જેમાં કેમેરાનું રેકોર્ડિંગ સ્ટોર થાય છે. પોલીસે ડીવીઆર સુપરત કરવા માટે નોટિસ પણ બહાર પાડી છે.

અહેવાલ મુજબ જુનિયર એન્જિનિયર(JE) લેવલના અધિકારીઓને પણ સીએમ હાઉસમાં લાગેલા સીસીટીવી અને ડીવીઆરનું ઍક્સેસ નથી. સીએમ હાઉસમાં લાગેલા સીસીટીવી PWD હેઠળ છે. દિલ્હી પોલીસને જુનિયર એન્જિનિયર મારફતે માત્ર એક પેન ડ્રાઈવ મળી છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે ઘટના સમયેના સીસીટીવી ફૂટેજ ગાયબ છે.

દિલ્હી પોલીસે વિભવના રિમાન્ડ લેતી વખતે કોર્ટને પણ આ જાણકારી આપી હતી. પોલીસને શંકા છે કે સીસીટીવી સાથે છેડછાડ કરવામાં આવી છે અને સીએમ હાઉસમાં પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ અંગે સ્વાતિ માલીવાલે કહ્યું કે “વિડીયોનો લાંબો ભાગ એડિટ કરવામાં આવ્યો છે. જ્યારે હું સિક્યોરીટીને કહીને કંટાળી ગઈ ત્યાર બાદનો માત્ર 50 સેકન્ડનો વિડિયો બહાર પાડવામાં આવ્યો હતો… હવે ફોન ફોર્મેટ થઈ ગયો છે અને વિડિયો કાઢી નાખવામાં આવ્યો છે? સીસીટીવી કેમેરા ફૂટેજ પણ ગાયબ થઈ ગયા છે. આ ષડયંત્રની ચરમસીમા છે.”

દિલ્હી પોલીસે એવો પણ આરોપ લગાવ્યો છે કે વિભવે સીએમ હાઉસમાં પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે તેમના વકીલે કહ્યું કે તે સીએમ હાઉસ ગયો જ નથી.

(4:11 PM IST)