<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનની હત્યા કોણે કરી? ;45 વર્ષ પછી હત્યારાએ જ રહસ્ય ખોલ્યું

હત્યાનો માસ્ટર માઈન્ડ કોઈ અન્ય હતો અને તે ક્યારેય કાયદાના રડારમાં આવ્યો નથી. હત્યારાના ઘટસ્ફોટથી બ્રિટનના લોકો ચોંકી ગયા

નવી દિલ્હી :ભારતના પ્રથમ પીએમ જવાહર લાલ નેહરુ સાથે ખાસ સંબંધ ધરાવતા લોર્ડ માઉન્ટમેટન હવે આ દુનિયામાં નથી. લગભગ 45 વર્ષ પહેલા બ્રિટનમાં બોમ્બ બ્લાસ્ટમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કોઈ ભારતીય ક્રાંતિકારીએ નહીં પરંતુ આઇરિશ રિપબ્લિક આર્મી (IRA) દ્વારા કરવામાં આવી હતી. IRA બ્રિટિશ કબજામાંથી મુક્ત સ્વતંત્ર દેશ, આયર્લેન્ડની માંગ કરી રહી હતી. આ હત્યાના 45 વર્ષ બાદ હવે ખુલાસો થયો છે કે આ હત્યા કેસમાં જે વ્યક્તિને આજીવન કેદની સજા થઈ હતી. તેનો માસ્ટર માઈન્ડ કોઈ અન્ય હતો અને તે ક્યારેય કાયદાના રડારમાં આવ્યો નથી. આ ઘટસ્ફોટ બીજા કોઈએ નહીં પણ એ જ હત્યારાએ કર્યો છે, જે આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ પણ હતો. આ ઘટસ્ફોટથી બ્રિટનના લોકો ચોંકી ગયા છે

  લોર્ડ માઉન્ટબેટનની હત્યાની કબૂલાત કરનાર આ વ્યક્તિનું નામ માઈકલ હેયસ છે. બ્રિટિશ ન્યૂઝ વેબસાઈટ ડેઈલી મેઈલ સાથે વાત કરતા, તેમણે કહ્યું કે ઓગસ્ટ 1979માં અર્લ લુઈસ માઉન્ટબેટનની હત્યા પાછળ થોમસ મેકમોહન નહીં પણ તેઓ જ હતા. હેયસે તેનું કારણ પણ જણાવ્યું છે. તે કહે છે કે બ્રિટિશ લોકો બળજબરીથી તેના દેશ પર કબજો જમાવી રહ્યા હતા અને તેના લોકોની હત્યા કરી રહ્યા હતા. તેથી જ બદલો લેવા તેણે માઉન્ટબેટનને મારી નાખવાની યોજના બનાવી અને પછી તેને અંજામ આપ્યો.   .

  માઈકલ હેયસ, જે હવે પોતે એક વૃદ્ધ વ્યક્તિ છે (90), તેણે કહ્યું કે તે IRA બટાલિયનનો કમાન્ડિંગ ઓફિસર હતો. જ્યારે થોમસ મેકમોહન તેમના જુનિયર કમાન્ડર હતા. હાલ આયર્લેન્ડની રાજધાની ડબલિનમાં એકલા રહેતા હેયસે કહ્યું કે લોર્ડ માઉન્ટબેટન બળ દ્વારા ઉત્તરી આયરલેન્ડને ઈંગ્લેન્ડનો એક ભાગ બનાવવા માંગતા હતા. IRA આનો વિરોધ કરી રહી હતી.

માઈકલ હેયસે ડેઈલી મેઈલને જણાવ્યું હતું કે IRA કમાન્ડરોએ લોર્ડ માઉન્ટબેટનની હત્યાનો નિર્ણય સાવચેતીપૂર્વક વિચારણા કર્યા પછી લીધો હતો, જેથી બ્રિટનને મજબૂત સંદેશ મોકલવામાં આવે કે તેણે ઉત્તરી આયર્લેન્ડ પર બળજબરીથી કબજો કરવાથી દૂર રહેવું જોઈએ. આ પછી હત્યાના પ્લાનિંગ અને તેને અંજામ આપવાની જવાબદારી માઈકલ હેયસને સોંપવામાં આવી હતી.

 હેયસે કહ્યું, 'મને આ ટાસ્ક આપવામાં આવ્યું તેનું કારણ એ હતું કે હું બ્લાસ્ટ એક્સપર્ટ હતો અને કોઈપણ નુકસાન લીધા વિના આ મિશન પાર પાડી શકતો હતો. આ પછી, થોમસ મેકમોહન અને અન્ય IRA આતંકવાદીઓ, ગુપ્ત રીતે કામ કરતા, લોર્ડ માઉન્ટબેટનના માછીમારી જહાજ શેડો વી પર 50 પાઉન્ડનો બોમ્બ પ્લાન્ટ કર્યો. આ પછી ઓગસ્ટ 1979માં વિસ્ફોટ થયો હતો.

  આ હુમલામાં લોર્ડ માઉન્ટબેટન, તેમના પૌત્ર અને અન્ય કિશોર સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. થોમસ મેકમોહન એકમાત્ર IRA સભ્ય હતા જે આ હત્યાકાંડમાં ગુના માટે દોષિત ઠર્યા હતા. બ્લાસ્ટના દિવસે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુના માટે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ ગુડ ફ્રાઈડે કરારની શરતો હેઠળ 19 વર્ષ જેલમાં રહ્યા બાદ 1998માં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

આ બોમ્બ હુમલાના શંકાસ્પદોની યાદીમાં માઈકલ હેયસનું નામ હતું પરંતુ તેની સામે ક્યારેય કાર્યવાહી થઈ ન હતી. હેયસ કહે છે, 'હું આ હુમલાનો મુખ્ય કમાન્ડર હતો. મેં જ આખા હુમલાની યોજના બનાવી હતી અને તેને યોગ્ય રીતે અંજામ આપ્યો હતો. લોર્ડ માઉન્ટબેટન બ્રિટનની રાણી એલિઝાબેથ II ના બીજા પિતરાઈ ભાઈ હતા. તેઓ ભારતના છેલ્લા વાઇસરોય પણ હતા. બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે તે આયર્લેન્ડના ઉત્તર-પશ્ચિમ કિનારે ડોનેગલ ખાડીમાં તેના પરિવાર સાથે દિવસ પસાર કરી રહ્યો હતો.

(6:47 PM IST)