<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

અભિષેક શર્મા IPLનો બન્યો નવો 'સિક્સર કિંગ':મેચમાં 6 સિક્સ ફટકારી કોહલીનો 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

અભિષેક શર્માએ 28 બૉલમાં 5 ફૉર અને 6 સિક્સની મદદથી 66 રન ઝૂડ્યા : અભિષેકે તોફાની અંદાજમાં બેટિંગ કરતાં માત્ર 21 બૉલમાં જ અડધી સદી ફટકારી

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની આજે રમાયેલી 69મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવીને 8મી જીત હાંસલ કરી છે. આજની મેચમાં SRHના સ્ટાર પ્લેયર અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરીને તોફાની અડધી સદી ફટકારી હતી. આ સાથે જ અભિષેક શર્માએ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના 8 વર્ષ જૂના રેકોર્ડને પણ તોડી નાંખ્યો છે.

 આજની મેચમાં ઑપનિંગમાં ક્રિઝ પર આવેલ અભિષેક શર્માએ 28 બૉલમાં 5 ફૉર અને 6 સિક્સની મદદથી 66 રન બનાવ્યા હતા. અભિષેકે તોફાની અંદાજમાં બેટિંગ કરતાં માત્ર 21 બૉલમાં જ અડધી સદી ફટકારી હતી. IPL-2024માં અભિષેક શર્માની આ ત્રીજી અને કુલ સાતમી અડધી સદી છે.

અત્યાર સુધીમાં અભિષેક શર્મા IPL-2024માં 41 સિક્સ ફટકારી ચૂક્યો છે. આમ તે સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ચૂક્યો છે. અગાઉ 2016ની IPLમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 38 સિક્સ ફટકારી હતી. આ યાદીમાં બીજા નંબર પર રહેલ ઋષભ પંતે 2018ની IPLમાં 37 સિક્સ ફટકારી હતી.

આટલું જ નહીં, IPL 2024માં અભિષેક શર્મા અત્યાર સુધીમાં 464 રન બનાવી ચૂક્યો છે. આ સાથે જ એક સિઝનમાં સૌથી વધુ રન ફટકારનાર અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં અભિષેક શર્મા નવમા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે દેવદત્ત પડિક્કલ (473) અને રિંકુસિંહ (474) રન સાથે અભિષેક શર્માની આગળ છે.

(9:41 PM IST)