તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 19th May 2024
ઈરાનના પ્રેસિડેન્ટ અને સંરક્ષણ પ્રધાનને લઈ જતા હેલિકોપ્ટર દુર્ઘટનામાં હજી સુધી બચાવ દળો પહોંચી શક્યા નથી: તહેહરાન સહિત ઠેર ઠેર લશ્કરી કર્મચારીઓએ પોઝીશન લઈ લીધી: ત્રણ રેસ્ક્યુ કર્મચારીઓ લાપતા: અમેરિકા આ બનાવ ઉપર સતત નજર રાખી રહ્યું છે: ઈરાનમાં લાખો લોકો દુઆ કરી રહ્યા છે: હેલિકોપ્ટરની છેલ્લી તસવીર જાહેર થઈ

ઈરાનની રાજધાની તેહરાનમાં ચારેકોર ઇરાની સુરક્ષા અને સૈન્ય કર્મચારીઓની નોંધપાત્ર જમાવટ જોવામાં આવી છે, જેમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના સભ્યોએ અનેક સરકારી ઇમારતોની નજીક પોઝિશન લઈ ગોઠવાઈ ગયા છે.
હેલિકોપ્ટરમાં ઈરાનના પ્રેસિડેન્ટ ઈબ્રાહીમ રઇસી, સંરક્ષણ પ્રધાન હુસેન આમીર અબ્દુલ્લાહિયાન, પૂર્વ અઝરબૈજાનના ગવર્નર મલેક રહેમતી અને પૂર્વ અઝર બૈજાન માટેના, ઈરાનના સુપ્રીમ લીડરના, પ્રતિનિધિ આયાતોલ્લાહ મોહમ્મદ અલી અલ હશેમ સામેલ છે.
દરમિયાન રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલા ત્રણ બચાવ કર્મચારીઓ લાપતા બન્યાનું બચાવ કાર્યમાં સામેલ રેડ ક્રેસન્ટના પ્રવક્તાએ જાહેર કર્યું છે.
પ્રવક્તાના કહેવા મુજબ બચાવદળ ઘટના સ્થળની નજીક પહોંચી ગયેલ છે પરંતુ ભારે વરસાદ અને ઠંડી વધવાની આશંકા વચ્ચે બચાવ કાર્ય ધીમું પડી શકે છે.
વધારાનું સૈન્ય, ઇમરજન્સી અને સર્ચ અને રેસ્ક્યુ ટીમો ઉત્તર-પશ્ચિમ ઈરાની શહેર જોલ્ફા નજીક સ્થાપિત બેઝ કેમ્પ પર સતત આવી રહ્યા છે, જ્યાં પ્રેસિડેન્ટ ઈબ્રાહિમ રાયસીને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
જો કે, વરસાદ, ધુમ્મસ અને કાદવને કારણે ક્રેશ સાઇટ તરફ વાહનો લઈ જવાનું હવે અશક્ય બન્યું છે, રેસ્ક્યુ ટીમો પગપાળા આગળ વધી રહી છે.
ઘટના સ્થળ અંગે કોઈ જ વિગતો મોડી રાત સુધી મળતી નથી. ઈરાનમાં લાખો લોકો તેમના સ્વાસ્થ્ય માટે દુઆ કરી રહ્યા છે.
આ બધા વચ્ચે અમેરિકાએ કહ્યું છે કે તેઓ ઇરાનના પ્રેસિડેન્ટના હેલિકોપ્ટર ક્રેશ થવાના અહેવાલો ઉપર નજર રાખી રહ્યા છે.
ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું છે કે હેલિકોપ્ટર અંગે ઇરાનથી ચિંતાની ખબરો મળી રહી છે. ભારે ચિંતા સાથે ખુશ ખબર મળે તેનો ઇન્તજાર કરી રહ્યો છું. અમારી દુઆ અને શુભકામના પ્રેસિડેન્ટ અને સમગ્ર ઈરાનની સાથે છે.
દરમિયાન દુર્ઘટના પહેલા લેવામાં આવેલ ઈરાનના પ્રેસિડેન્ટ ઈબ્રાહીમ રઈસીના હેલિકોપ્ટરની છેલ્લી તસવીરો ઈરાન ન્યુઝ સર્વિસ ઇરનાએ જાહેર કરી છે.
આ તસવીર એ સમયે લેવામાં આવેલ જ્યારે તેઓ અજરબૈજાનમાં ડેમનું ઉદઘાટન કરી તબરેજ શહેર તરફ જઈ રહ્યા હતા.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
