<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

બોરડી ગામ નજીક અજીબોગરીબ કિસ્સો : જાનને ઘેરીને દુલ્હનનું કર્યુ અપહરણ: અપહરણકર્તામાંથી ચાર લોકોને ઓળખે છે વરરાજા

લગ્ન વિધી પૂર્ણ થયા બાદ જાનૈયાઓ સહિત વરરાજા અને દુલ્હન પરત ભાટીવાડા ગામે જવા નિકળ્યા હતા: બાઇક પર આવેલા 20 જેટલા લોકોએ દુલ્હનનું જ અપહરણ કરીને ફરાર થઇ ગયા

દાહોદ: જિલ્લાના બોરડી ગામ નજીક અજીબોગરીબ કિસ્સો બન્યો છે. જેમા મધ્યપ્રદેશથી લગ્ન કરીને જાન ભાટીવાડા ગામ તરફ આવતી હતી. આ દરમિયાન બાઇક પર આવેલા 20 જેટલા લોકોએ દુલ્હનનું જ અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા. વરરાજાના જણાવ્યા પ્રમાણે તે અપહરણ કરનારાઓમાંથી ચાર લોકોને ઓળખે છે.હાલમાં દાહોદ LCB સહિતનો પોલીસનો કાફલાએ ફરિયાદ નોંધીને દુલ્હનની શોધખોળ હાથ ધરી છે.

   દાહોદના ભાટીવાડા ગામમાં રહેતા યુવકની જાન મધ્યપ્રદેશના ઝાંબુઆ તાલુકાના જાલાપોડા ગામમાં ગઇ હતી. લગ્ન વિધી પૂર્ણ થયા બાદ જાનૈયાઓ સહિત વરરાજા અને દુલ્હન પરત ભાટીવાડા ગામે જવા નિકળ્યા હતા. આ દરમિયાન જાન બોરડી ગામ નજીકથી પસાર થતી હતી. ત્યારે અચાનક બાઇક પર 20 જેટલા શખ્સો આવી ગયા હતા. આ શખ્સોએ જાનૈયા અને વરરાજા તથા ડ્રાઇવરને ધાકધમકી આપીને દુલ્હનનું અપહરણ કર્યું હતું. આ લોકો પાસે હથિયાર પણ હતા

   વરરાજા, રોહિત અમલીયારે આ અંગે જણાવ્યુ હતુ કે, ‘નવાગામ ચોકડી પાસે અમારી ગાડીની આગળ એક ગાડી મુકી દીધી અને અમારી ગાડીની ચાવી લઇ લીધી હતી. પછી મારી પરણીત પત્ની સાથે ખેંચાતાણ કરી હતી. જે બાદ તેને બહાર કાઢીને ભગાડીને લઇ ગયા હતા. અપહરણકર્તાઓમાંથી ચાર જણ ઓળખાયા અને બીજા ના ઓળખાયા.

   છોકરાના પરિવારજન, નીનામા કિરણભાઇએ જણાવ્યુ કે, ‘સમાજની વિધિ પ્રમાણે લગ્ન થયા બાદ અમે સાંજે ઘરે પહોંચી ગયા હતા. જે બાદ મને રાતે ફોન આવ્યો હતો કે, તમારા ભાણેજની લગ્ન કરેલી પત્નીને લોકો ભગાડી ગયા છે. જેથી અમે ઘરેથી પોલીસ સ્ટેશન આવ્યા હતા. અમે કતવારા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે

  નોંધનીય છે કે, આ જાન દાહોદના ભાટીવાડી ગામથી ઝાબુઆના જાલાપાડા ગામે ગઈ હતી. લગ્ન કરીને પરત આવતી વખતે બોરડી નજીક અલગ અલગ મોટરસાયકલો પર 20 જેટલા ઇસમોએ દુલ્હનની ગાડી રોકીને ડ્રાઈવરને ધમકાવીને દુલ્હનનું અપહરણ કર્યું હતુ. ત્યારે દાહોદ પોલીસને જાણ થતા LCB સહીતનો પોલીસ કાફલો આવી પહોંચ્યા હતા.

(2:11 PM IST)