તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
રાજનાથ - રાહુલ - સ્મૃતિ સહિતના દિગ્ગજોનું ભાગ્ય EVMમાં કેદ
મુંબઇમાં મતદાન કેન્દ્રો પર બોલીવુડ સિતારાઓનો જમાવડો : વડાપ્રધાને મતદાન કરવાની કરી અપીલ : નેતાઓએ પરિવાર સાથે કર્યુ મતદાનઃ ૪૯ બેઠકો પર પાંચમાં તબક્કાનું મતદાન ચાલુ : ૬૯૫ ઉમેદવારો મેદાનમાં : મતદારોમાં ભારે ઉત્સાહ

નવી દિલ્હી તા. ૨૦ : લોકસભા ચુંટણી ૨૦૨૪ના પાંચમા તબક્કામાં આઠ રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોની ૪૯ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બપોર સુધીમાં અંદાજિત ૫૦ થી ૫૫ મતદાન થયું છે.અત્યારસુધીમાં અંદાજિત જમ્મુ કાશ્મીરમાં ૫૦ ટકા,યુપીમાં ૫૫ ટકા,પશ્ચિમ બંગાળમાં ૬૦ ટકા, લદાખમાં ૫૮ ટકા, બિહારમાં ૫૫ ટકા, જારખંડમાં ૫૫ ટકા,ઓડિશામાં ૫૦ ટકા,મહારાષ્ટ્રમાં ૫૫ ટકા મતદાન થયું છે. ૫માં તબક્કાના મતદાનની સૌથી મહત્વની વાત એ છે કે તે રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ચાર કેન્દ્રીય મંત્રીઓના ભાવિનો નિર્ણય કરશે. લખનૌ પૂર્વ વિધાનસભા ક્ષેત્રની વિધાનસભા પેટાચૂંટણી માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે ૮ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૯ બેઠકો માટે મતદાન થશે. હું આ તબક્કાના તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ પોતાનો મત આપે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા મહિલાઓ અને યુવા મતદારોને મારી ખાસ અપીલ છે.મૂંબઈમાં મતદાન કરવા માટે બોલીવુડ ઉમટી પડ્યું છે. પીઢ અભિનેત્રી શોભા ખોટે,અક્ષય કુમાર. જાનવી કપૂર, રાજકુમાર રાવ, ફરહાન અખતર સહિત અનેક બોલીવૂડ હસ્તીઓએ મતદાન કર્યું. ફિલ્મ અભિનેતા રણવીર સિંહ અને તેની અભિનેત્રી પત્ની દીપિકા સિંહે, મોટી સંખ્યામાં ફિલ્મ સ્ટાર્સ મુંબઈમાં મતદાન મથકો પર પહોંચી રહ્યા છે અને તે બધાએ લોકોને મોટી સંખ્યામાં બહાર આવવા અને મત આપવા માટે અપીલ કરી છે. મતદાન બાદ તેમણે કહ્યું કે આજે લોકશાહીનો મહાન તહેવાર છે. આપણે બધાએ ઘરની બહાર આવીને મતદાન કરીને આગામી પાંચ વર્ષ માટે આપણી સરકારને ચૂંટવી જોઈએ. ફિલ્મ અભિનેતા રણદીપ હુડ્ડાએ મુંબઈમાં મતદાન કર્યું. તેમણે કહ્યું કે લોકશાહીમાં, મતદાન દ્વારા, તમને તમારા અને તમારા દેશના ભવિષ્ય વિશે નિર્ણય લેવાનો અધિકાર છે. તમારે મતદાન કરવું જ પડશે. લોકશાહીના આ મહાન તહેવારમાં ભાગ લો ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીએ પોતાની પુત્રી એશા દેઓલ સાથે મુંબઈમાં મતદાન કર્યું. હેમા માલિની ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે અને ફિલ્મ અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદાએ મુંબઈમાં મતદાન કર્યું હતું. મત આપ્યા બાદ તેમણે કહ્યું કે કૃપા કરીને તમારા ઘરની બહાર આવો અને મતદાન કરો. જાણીતા નિર્માતા અને દિગ્દર્શક રાકેશ રોશન અને અભિનેતા હૃતિક રોશને આજે પોતાનો મત આપ્યો. અભિનેત્રી વિદ્યા બાલન અને અભિનેતા ઈમરાન હાશ્મીએ પણ મતદાન કર્યું હતું.
આ તબક્કામાં ઉત્તર પ્રદેશની ૧૪, મહારાષ્ટ્રની ૧૩, પશ્ચિમી બંગાળની સાત, ઓડિશાની પાંચ, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, જમ્મુ-કાશ્મીરની એક અને લદ્દાખની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી, ચિરાગ પાસવાન, રાજીવ પ્રતાપ રૂડી, રોહિણી આચાર્ય, ઓમર અબ્દુલ્લા અને પીયૂષ ગોયલ જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે કે જેમના વિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે.
આ તબક્કામાં ૬૯૫ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. તેમાંથી સૌથી વધુ ૨૬૪ ઉમેદવારો મહારાષ્ટ્રના છે. જયાં તમામ ૧૩ બેઠકો પર ચૂંટણી થવાની છે. બીજા ક્રમે ઉત્તર પ્રદેશની કુલ ૧૪ બેઠકો પર ૧૪૪ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. લદ્દાખની એક સીટ પરથી ઓછામાં ઓછા ત્રણ ઉમેદવારો ચૂંટણી લડ્યા છે.
પાંચમા તબક્કામાં સૌથી વધુ સંપત્તિ જાહેર કરનાર ઉમેદવાર અનુરાગ શર્મા છે. ઉત્તર પ્રદેશના ઝાંસીથી ભાજપના ઉમેદવારે કુલ ૨૧૨ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. આ મામલે અપક્ષ નિલેશ ભગવાન સાંભરે બીજા ક્રમે છે. મહારાષ્ટ્રની ભિવંડી સીટ પરથી ચૂંટણી લડી રહેલા સાંભરેએ પોતાના સોગંદનામામાં ૧૧૬ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ત્રીજા સૌથી અમીર ઉમેદવાર કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર પીયૂષ ગોયલ છે. મહારાષ્ટ્રની ઉત્તર મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ગોયલ પાસે ૧૧૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે.
આયોગ દ્વારા જારી કરાયેલા રીલીઝ મુજબ ૮ રાજયો - કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ ૪૯ લોકસભા મતવિસ્તારોમાં ૮.૯૫ કરોડ મતદારો ૯૪,૭૩૨ મતદાન મથકો પર મતદાન કરશે. આ લોકો ૬૯૫ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરી શકશે. જેમાં ૪.૬૯ કરોડ પુરૂષો, ૪.૨૬ કરોડ મહિલાઓ અને ૫૪૦૯ ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં ૪૯ સંસદીય બેઠકોમાંથી ૩૯ સામાન્ય શ્રેણી, ૩ અનુસૂચિત જનજાતિ અને ૭ અનુસૂચિત જાતિ બેઠકો છે. ઓડિશા વિધાનસભાની ૩૫ બેઠકોમાંથી સામાન્ય વર્ગ માટે ૨૧, અનુસૂચિત જનજાતિ માટે ૮ અને અનુસૂચિત જાતિ માટે ૬ બેઠકો છે.
આ તબક્કામાં દિગ્ગજનોની વાત કરીએ તો ઉમેદવારોમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ચિરાગ પાસવાન, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, સાધ્વી નિરંજનનો સમાવેશ થાય છે. જયોતિ, કૌશલ કિશોર, ડાઙ્ઘ. પ્રવીણ ભારતી પવાર, શાંતનુ ઠાકુર, કપિલ પાટીલ, અન્નપૂર્ણા દેવી, ભાજપ નેતા રાજીવ પ્રતાપ રૂડી અને રાષ્ટ્રીય જનતા દળના રોહિણી આચાર્યનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીના ૫માં તબક્કામાં સોમવારે ઉત્તર પ્રદેશની ૧૪ બેઠકો પર મતદાન થશે. જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં બારામુલ્લા અને લદ્દાખની એકમાત્ર સંસદીય બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. બિહારમાં જે ૫ સીટો માટે ચૂંટણી યોજાવાની છે તેમાં મધુબની, સીતામઢી, સારણ, મુઝફફરપુર અને હાજીપુર લોકસભા સીટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓડિશામાં બારગઢ, સુંદરગઢ, બોલાંગીર, કંધમાલ અને આસ્કા, ઝારખંડમાં ચતરા, કોડરમા અને હજારીબાગ, તેમજ પશ્ચિમી બંગાળમાં બાણગાંવ, બેરકપુર, હાવડા, ઉલુબેરિયા, શ્રીરામપુર, હુગલી અને આરામબાગ છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
