<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

કેનેડામાં લોકોને અંતિમ વિધિનો ખર્ચ નથી પોસાતો

પરિવારજનો મૃતદેહ મૂકી જાય છેઃઅંતિમ ક્રિયાનો ખર્ચ વધીને ૮૮૦૦ ડોલર થઈ ગયો અંતિમવિધિનો ખર્ચ બેફામ વધી જતા લોકો પરેશાન

ઓટાવા, તા.૨૦

કેનેડા દુનિયાના સૌથી આધુનિક અને ધનાઢ્ય દેશોમાં એક ગણાય છે. પરંતુ આ દેશોમાં લોકોને એક તકલીફ છે. અહીં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયા પછી તેની અંતિમ ક્રિયાનો ખર્ચ એટલો બધો છે કે ઘણા લોકોને આ ખર્ચ કરવો પોસાતો નથી. તેના કારણે હોસ્પિટલમાં મૃતદેહોને કોઈ લેવા જ ન આવે તેવું બને છે. આવા કિસ્સા વધ્યા છે અને હોસ્પિટલોમાં ક્લેમ વગરના મૃતદેહની સંખ્યા વધી છે. આવા કિસ્સામાં પછી સરકાર દ્વારા સાદાઈથી અંતિમવિધિ કરી દેવામાં આવે છે.

કેનેડામાં દરેક ચીજ મોંઘી થઈ તેની સાથે અંતિમ ક્રિયાનો ખર્ચ પણ અત્યંત વધી ગયો છે. રૃપિયાના હિસાબે ગણવામાં આવે તો વ્યવસ્થિત અંતિમવિધિ કરવાનો ખર્ચ સાડા સાત લાખ રૃપિયા જેટલો આવે છે. તે પોસાતો ન હોવાથી કેનેડાના કેટલાક પ્રદેશોમાં તો પરિવારજનો શબને કબ્રસ્તાન પર મુકીને ચાલ્યાં જાય છે. તેના કારણે મ્યુનિસિપલ કર્મચારીઓને શબની દફનવિધિ હાથ ધરવી પડે છે. દફનવિધિ માટે જમીન ખરીદવી પોસાય તેમ નથી. ટોરેન્ટો જેવા મોટા શહેરોમાં આવેલા કબ્રસ્તાનોમાં કબર માટેની જગ્યાનો ભાવ આસમાને પહોંચી ગયા છે. અહીં અંતિમ ક્રિયાનો ખર્ચ જે ૧૯૯૮માં ૬૦૦૦ ડોલર આવતો હતો તે હવે ૮૮૦૦ ડોલર સુધી પહોંચ્યો છે. જે રૃપિયાના સંદર્ભમાં જોઈએ તો લગભગ સાડા સાત લાખ રૃપિયા જેટલો થાય છે. આથી મૃતકનાં કુટુમ્બીજનો મૃતદેહને લઈ જવાનો ક્લેમ જ નથી કરતા.

કેનેડાના સૌથી વધુ વસ્તી ધરાવતા ઓન્ટોરિયો પ્રોવિન્સમાં આવા 'બિનવારસી' મૃતદેહોની સંખ્યા જે ૨૦૧૩માં ૨૪૨ હતી તે ૨૦૨૩માં વધીને ૧૧૮૩ થઈ હતી. તેમ પ્રાંતના ચીફ કોરોનર ડર્ક હયુરે જણાવ્યું હતું. ટકાવારીમાં આ ખર્ચનો વધારો જોઈએ તો તે ૨૦૨૨માં ૨૦ ટકા જેટલો થયો હતો. જ્યારે ૨૦૨૩માં તે વધીને ૨૪ ટકા રહ્યો. ઓન્ટોરિયોમાં કોઈપણ મૃતદેહ ૨૪ કલાક સુધી પડ્યો રહે અને તેને ક્લેમ કરવા માટે કોઈ ન આવે ત્યાર પછી તે 'લાવારિસ' ગણાય છે. આમ છતાં સરકારી અધિકારીઓ એક સપ્તાહ સુધી મૃતકના સગાને શોધે છે. દરમિયાન સ્થાનિક મ્યુનિસીપાલિટી તે મૃતદેહની સાદી દફનવિધિ કરી નાખે છે. ઘણીવાર તેઓ મૃતદેહને 'મોર્ગ'માં એટલે કે શબઘરમાં રખાવી દે છે. કેટલીક વખત પરિવારજનો જ મૃતદેહને શબઘરમાં રખાવે છે અને પછી જરૃર પૂરતી રકમ ભેગી કરી કુટુમ્બીજનો તેમના પ્રિયજનના મૃતદેહની દફનવિધિ કરે છે.

ક્યુબેકમાં ૨૦૧૩માં ૬૬ લાવારિસ મૃતદેહો હતા જે સંખ્યા ૨૦૨૩માં વધીને ૧૮૩ પહોંચી હતી. અમેરિકામાં પણ અંતિમ ક્રિયાનો ખર્ચ ઘણો મોંઘો છે. અમેરિકામાં 'ફયુનરલ હોમ'માં રેફ્રીજરેશન ફેઇલ થતાં ૧૧૧૫ મૃતદેહો સડી ગયા હતા.

કેટલીક જગ્યાએ હોસ્પિટલોમાં આવી રીતે શબ રાખવા માટેની જગ્યા ન હોવાના કારણે હોસ્પિટલની બહાર એક પર્મેનન્ટ સ્ટોરેજ યુનિટ બાંધવાની વાત ચાલે છે જેથી ક્લેમ કરવામાં આવ્યો ન હોય તેવા ડોડ બોડીની સમસ્યા ઉકેલી શકાય. ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના એક નેતાએ કહ્યું કે કેનેડામાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો કોઈ ડેડ બોડીને ક્લેમ કરવા નથી આવતા. કારણ કે તેમને ખબર છે કે તેઓ દફનવિધિનો ખર્ચ ઉઠાવી નહીં શકે. તેઓ કહે છે કે મોટા સ્ટોરેજ યુનિટ બાંધવાથી પ્રશ્ન નહીં ઉકેલાય. લોકોની સન્માનજનક રીતે દફનવિધિ કરવામાં આવે તે જરૃરી છે અને તેમાં જે અવરોધો હોય તે દૂર થવા જોઈએ. કારણ કે હવે મૃતદેહોનો ભરાવો ઘણો વધી ગયો છે.

ઉદાહરણ તરીકે માઉન્ટ પ્લેઝન્ટ ગ્રૂપમાં એડલ્ટ વ્યક્તિ માટેની કબરનો ખર્ચ ૨૮૦૦ ડોલર આવે છે પરંતુ મિડટાઉન ટોરંટોમાં એપ્રિલ મહિનામાં આ ચાર્જ વધીને ૩૪,૦૦૦ ડોલર થઈ ગયો હતો. કેનેડામાં ફ્યુનરલ અને ક્રિમેશન સર્વિસ પૂરા પાડતી કંપનીઓ હોય છે અને તેની વેબસાઈટ પર ખર્ચ અને બીજી વિગતો હોય છે. આ ઉપરાંત કબર ઢાંકવાનો, તેના પર તકતી મૂકાવવાનો વગેરેનો ખર્ચ અલગ આવે છે અને તે ટેક્સપાત્ર હોય છે.

કેનેડા ફ્યુનરલ સર્વિસિસ એસોસિયેશનના વડા કહે છે કે અગાઉ ૧૮૦૦ ડોલરથી ૮૦૦૦ કેનેડિયન ડોલરના ખર્ચમાં આખી અંતિમવિધિ થઈ જતી હતી પરંતુ હવે તેનો ખર્ચ ૨૦૦૦ ડોલરથી લઈને ૧૨,૦૦૦ ડોલર સુધી પહોંચી ગયો છે. ઘણા લોકો પોતાની જાતે અંતિમવિધિ કરાવી ન શકે ત્યારે ગો ફંડ મી જેવી ક્રાઉડ ફંડિંગ સાઈટ પરથી નાણાં એકત્ર કરતા હોય છે. ગો ફંડ મી પર આવી અરજીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ૨૦૧૩માં માત્ર ૩૬ લોકોએ દફનવિધિ માટે લોકો આગળ હાથ લંબાવ્યો હતો જ્યારે હાલમાં ૧૦,૨૫૭ લોકો સોશિયલ મીડિયા પરથી ફંડ માગી રહ્યા છે જેથી પોતાના સ્વજનોની અંતિમ વિધિ થઈ શકે.

લોકોની અંતિમવિધિમાં સરકાર પણ સપોર્ટ કરે છે પરંતુ ફ્યુનરલનો ખર્ચ એટલો વધી ગયો છે કે સરકારી સહાય અપૂરતી છે. કેનેડા પેન્શન પ્લાન હેઠળ ૨૫૦૦ ડોલરની સહાય મળે છે અને તેમાં વધુ ૨૫૦૦ ડોલરનું ટોપ અપ આપવામાં આવ્યું છે. છતાં કુલ ખર્ચની સામે આ રકમ નાની છે. રાજકારણીઓ પણ સ્વીકારે છે કે મોટી ઉંમરે લાઈફ પાર્ટનર ગુમાવવા એ બહુ આઘાતજનક હોય છે.

આ ઉપરાંત તેમાં બહુ નાણાકીય બોજ પણ વધી જતો હોય છે. કોઈ એવું નથી ઇચ્છતું કે પોતાના સગાના મૃતદેહો મુર્દાઘરમાં પડ્યા રહે. પરંતુ જ્યારે અંતિમવિધિનો ખર્ચ જ એટલો બધો વધારે હોય ત્યારે લોકો શું કરી શકે.

(7:53 PM IST)