તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ઓડિશામાં ૧૦મી જૂને ડબલ એન્જિન સરકાર બનશે : મોદી
ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવોઃમોદીએ પહેલા પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી : પુરીમાં સંબિત પાત્રા માટે રોડ શો કર્યો હતો

ઢેંકનાલ, તા.૨૦
લોકસભા ૨૦૨૪ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી કરવા ઓડિશાના ઢેંકનાલ પહોંચ્યા હતા. અહીં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ રાજ્યની બીજુ જનતા દળ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે જેમાં ચાર તબક્કાનું મતદાન પહેલા થઈ ચૂક્યું છે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ હવે તેના અંત તરફ આગળ વધી રહી છે. વડાપ્રધાન મોદી દેશના વિવિધ રાજ્યોમાં જઈને ભારતીય જનતા પાર્ટી માટે રેલીઓ પણ કરી રહ્યા છે. ત્યારે આજે પીએમ મોદી ઓડિશા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સૌથી પહેલા પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી. આ પછી પુરીમાં સંબિત પાત્રા માટે રોડ શો કર્યો હતો. ત્યારબાદ પીએમ મોદી રેલી કરવા ઓડિશાના ઢેંકનાલ પહોંચ્યા હતા. અહીં જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ રાજ્યની બીજુ જનતા દળ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ એવો પણ દાવો કર્યો કે આ વખતે ઓડિશામાં ડબલ એન્જિનની સરકાર બનશે.
વડાપ્રધાન મોદીએ પોતાની રેલીની શરૃઆત જય જગન્નાથ અને જય શ્રી રામના નારા લગાવીને કરી હતી. વડાપ્રધાને બીજેડી સરકાર પર પ્રહાર કરતા લોકોને કહ્યું હતું કે 'તમે ૨૫ વર્ષ સુધી બીજેડી સરકાર પર ભરોસો મૂક્યો. પરંતુ આજે લોકો વિચારી રહ્યા છે કે ઓડિશાએ આટલા વર્ષોમાં શું મળ્યું?. આજે પણ અહીં ખેડૂતો પરેશાન છે. યુવાનો નોકરી માટે અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારો જ્યાં જળ, જંગલ, જમીન અને ખનીજ સંપત્તિ છે, ત્યાં સૌથી વધુ દુર્દશા છે. મોટા ભાગનું સ્થળાંતર આ વિસ્તારોમાંથી થાય છે. મેં શપથગ્રહણની તારીખ પહેલા જ જણાવી દીધી છે. હું દરેકને આમંત્રિત કરવા આવ્યો છું કે ભાજપની ડબલ એન્જિન સરકારનો શપથ ગ્રહણ સમારોહ ૧૦ જૂને ઓડિશામાં યોજાશે. બીજેડી સરકારની વિદાય નિશ્ચિત છે.' વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે 'આટલા સમૃદ્ધ ઓડિશામાં લોકો આટલી ગરીબીમાં કેમ જીવવા મજબૂર છે. હું સોમનાથની ધરતીથી જગન્નાથની ભૂમિને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું. પરંતુ જ્યારે હું ઓડિશાની ગરીબી જોઉં છું ત્યારે મને પીડા થાય છે. આટલું સમૃદ્ધ રાજ્ય, આટલી મોટી ધરોહર, મારા ઓડિશાને કોણે બર્બાદ કરી નાખ્યું? કોણે યુવાઓના સપનાં કચડી નાખ્યાં? આ બધી વાતો ખૂબ તકલીફ આપે છે.
વડાપ્રધાન મોદીએ ભ્રષ્ટાચારને લઈને બીજેડી સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું કે '૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ મેં નવી માઈનિંગ પોલિસી બનાવી. આ અંતર્ગત ઓડિશાને વધુ રોયલ્ટી મળે છે. અમે નિયમ બનાવ્યો કે ખનીજની કમાણીનો એક હિસ્સો અહીં જ રહે અને લોકોના વિકાસ માટે વાપરવામાં આવે. અમે મિનરલ ફંડ હેઠળ ઓડિશાને ૨૬ હજાર કરોડ રૃપિયા આપ્યા છે. આ રૃપિયા બાળકોની શાળા અને ઢેંકનાલમાં ગામડાના રસ્તાઓ માટે ખર્ચવાના હતા. પરંતુ બીજેડી સરકારે તેમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો હતો.'
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
