<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

અમેરિકા, કેનેડા અને આરબ દેશોમાંથી AAPને કરોડોનું ગેરકાયદે ફંડ મળ્યું :EDએ ગૃહ મંત્રાલયને સોંપ્યો રિપોર્ટ

AAPને 2014-2022 દરમિયાન 7.08 કરોડ રુપિયાનું વિદેશી ફંડ મળ્યું : ઇડીએ પાર્ટી પર આ વિદેશી ફંડને મેળવવા FCRA, RPA અને IPCનું ઉલ્લંઘન કર્યું હોવાના આરોપ લગાવ્યા

નવી દિલ્હી :દિલ્હીના શરાબ નીતિ કૌભાંડ મામલે ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. પહેલાથી જ કોર્ટમાં ચાલી રહેલા મામલામાં હવે EDએ આમ આદમી પાર્ટીના વિદેશ ફંડને લઈને ખુલાસાઓ કર્યા છે, EDએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું કે AAPને 2014-2022 દરમિયાન 7.08 કરોડ રુપિયાનું વિદેશી ફંડ પ્રાપ્ત થયું છે. તપાસ એજન્સીએ પાર્ટી પર આ વિદેશી ફંડને મેળવવા FCRA, RPA અને IPCનું ઉલ્લંઘન કર્યું હોવાના આરોપ લગાવ્યા છે. આ ફંડને મેળવવા માટે વિદેશી દાનદાતાઓની ઓળખ અને રાષ્ટ્રીયતાની સાથે સાથે અન્ય તથ્યોને છુપાવવા જેવા આરોપ EDએ પોતાના રિપોર્ટમાં લગાવ્યા છે.

EDએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીને સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉદી આરબ,સંયુક્ત આરબ અમિરાત, કુવૈત, ઓમાન અને અન્ય દેશોના અન્ય દાનદાતાઓ પાસેથી ધન પ્રાપ્ત થયું છે. ફંડ ટ્રાંસફર કરવા માટે વિભિન્ન દાનદાતાઓ દ્વારા એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરાયો છે.

EDએ પોતાની તપાસમાં AAP અને તેના નેતાઓ દ્વારા વિદેશ ફંડ મેળવવામાં અનિયમિતતાઓના અનેક કેસનો ઉલ્લેખ કર્યો છે. જેમાં પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠક સહિત અન્ય નેતાઓ પર 2016માં કેનેડામાં ફંડ રેઝિંગ પ્રોગ્રામથી એકઠાં કરાયેલા પૈસાના વ્યક્તિગત લાભ માટે દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ આપ ઓવરસીઝ ઈન્ડિયાના કોર્ડિનેટર અનિકેત સક્સેના, આપ ઓવરસીઝ ઈન્ડિયાના તત્કાલીન સંયોજક કુમાર વિશ્વાસ, આપના સભ્ય કપિલ ભારદ્વાજ અને પાઠક સહિત વિભિન્ન આપ સ્વંયસેવકો અને પદાધિકારીઓ વચ્ચે મોકલવામાં આવેલા ઈમેલની સામગ્રી થકી આરોપોની પુષ્ટિ કરી છે.

અત્યાર સુધીની તપાસથી સામે આવ્યું છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડામાં ફંડ રેઝિંગ કેમ્પેનથી ન માત્ર પૈસા એકઠાં કરવામાં આવ્યા પરંતુ વિદેશ ફંડ પર FCRA અંતર્ગત લગાડવામાં આવેલા પ્રતિબંધોથી બચવા માટે AAPએ બુક ઓફ એકાઉન્ટ્સમાં વાસ્તવિક દાનદાતાઓની ઓળખ પણ છુપાવી છે.

EDએ પોતાની તપાસથી સંબંધિત તમામ જાણકારી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને દાનકર્તાઓની વિગતની સાથે શેર કરી છે. જેમકે ફંડિંગ કરનારના નામ, દાનકર્તાનો દેશ, પાસપોર્ટ નંબર, દાન કરવામાં આવેલી રકમ, દાનની રીત અને પ્રાપ્તકર્તાનું બેંક ખાતા નંબર, બિલિંગ નામ, બિલિંગનું એડ્રેસ, બિલિંગ ટેલિફોન નંબર, બિલિંગ ઈમેલ, દાનનો સમય અને તારીખ તેમજ પેમેન્ટ માટે ઉપયોગમાં કરેલા ગેટવે સહિત, જે PMLA 2002 અંતર્ગત તપાસ દરમિયાન એકત્ર કરવામાં આવ્યા છે. એજન્સીએ કેનેડાના નાગરિકોના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરથી દાન અંગેના પુરાવાઓ પણ એકત્ર કર્યાં છે.

EDએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે AAP દ્વારા વિદેશી ફંડ મેળવવા માટે FCRA ઉલ્લંઘન અને અન્ય અનિયમિતતાઓ પાકિસ્તાનથી ભારતમાં બોર્ડરની મદદથી હેરોઇનની તસ્કરીમાં સામેલ એક ઈન્ટરનેશનલ ડ્રગ્સ કાર્ટેલ વિરુદ્ધ પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં નોંધાયેલી એક ફરિયાદની તપાસ દરમિયાન સામે આવ્યું છે. 

  આ અંગે ફાઝિલ્કાની એક વિશેષ અદાલતે પંજાબના ભોલાથથી તત્કાલીન આપ ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાને આરોપી તરીકે સમન આપ્યું હતું. PMLA અંતર્ગત ED દ્વારા તપાસ, ખૈરા અને તેના સહયોગીઓ ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેના પરિણામસ્વરુપ વિદેશી ફંડની વિગતવાળા આપત્તિજનક દસ્તાવેજ જપ્ત કરાયા. જેમાં અમેરિકામાં દાનદાતાઓની સૂચીવાળા કોમ્પ્યુટરથી લખેલા ચાર પેજ અને હાથથી લખેલા આઠ પેજની ડાયરી સામેલ છે.

EDએ આરોપ લગાવ્યો કે જપ્ત કરવામાં દસ્તાવેજોની તપાસથી કૂલ 1,19,000 અમેરિકી ડોલરના વિદેશી ફંડ મળવાની જાણકારી મળી છે. ખૈરાએ પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો કે 1,19,000 ડોલરના વિદેશી ફંડિંગ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા એપ્રિલ-મે, 2015માં આપ દ્વારા અમેરિકામાં આયોજિત ફંડ રેઝિંગ કેમ્પેન દરમિયાન એકઠી કરાઈ હતી. EDએ કહ્યું કે આ સંદર્ભમાં આપના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તાને સમન મોકલાયું હતું, જેમણે સ્વીકાર્યું હતું કે પાર્ટીને ચેક કે ઓનલાઈન પોર્ટલના માધ્યમથી વિદેશી ફંડ મળતું રહે છે.

(8:17 PM IST)