<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં ૫૬.૬૮ ટકા સરેરાશ મતદાન થયું

પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ ઘર્ષણની ઘટનાઃપશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે : કુલ ૬૯૫ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ

નવી દિલ્હી, તા.૨૦

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીના પાંચમાં તબક્કા હેઠળ આજે ૮ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૪૯ સંસદીય બેઠકો માટે મતદાન થયું હતું. આ સાથે ઓડિશા વિધાનસભાના બીજા તબક્કા માટે પણ આજે મતદાન થયું હતું. આજનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. સાંજે ૫ વાગ્યા સુધી ૫૬.૬૮ ટકા મતદાન થયું છે. જેમાં બંગાળમાં સૌથી વધુ ૭૩ ટકા મતદાન થયું છે. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં બપોરે ૫ વાગ્યા સુધી ૫૬.૬૮ ટકા સરેરાશ મતદાન થયું છે. આ સાથે ૮ રાજ્યોના કેટલું મતદાન થયું તેના પણ આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે. પૂર્વ ક્રિકેટર અને ચૂંટણીના નેશનલ આઈકોન સચિન તેંડુલકર અને તેમના પુત્ર અર્જુન તેંડુલકરે મુંબઈમાં મતદાન કર્યું હતું.

રાહુલ ગાંધી રાયબરેલીમાં મતદાન મથકનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ મતદારો સાથે વાતચીત પણ કરી હતી. કોંગ્રેસે સોશિય મીડિયા પોસ્ટ કરીને કહ્યું કે, રાયબરેલીમાં સન્માનિત મતદારોની વચ્ચે પહોંચ્યા જનનાયક. આ લડાઈ લોકશાહી અને બંધારણને બચાવવાની છે. અમે સાથે મળીને લડીશું અને જીતીશું.' અગાઉ રાહુલ ગાંધીએ રાયબરેલી પહોંચીને સૌથી પહેલા પીપલેશ્વર હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી.

પશ્ચિમ બંગાળમાં પણ ઘણી જગ્યાએ ઘર્ષણની ઘટનાના અહેવાલ આવ્યા હતા. સાત બેઠકો પર ચાલી રહેલા મતદાન દરમિયાન, હુગલીના આરામબાગમાં ટીએમસીના એક નેતા પર ભાજપના કાર્યકરો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનકુલમાં પણ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાવડા જિલ્લાના ઉલુબેરિયા અને સાલ્કિયામાં ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઉદ્ધવ ઠાકરેએ મત આપ્યા બાદ કહ્યું કે 'આ વખતે લોકો જુમલેબાજીના વિરુદ્ધમાં છે. લોકો દેશને બચાવવા વોટ આપશે. મને આશા છે કે મતદાનની ટકાવારી વધશે. લોકો મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે.' આજે ૫માં તબક્કાના મતદાન દરમિયાન ઉત્તર પ્રદેશના મહોબામાં ફરજ પરના એક સીઆરપીએફ જવાનનું મોત થયું છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળના બેરકપુરથી ભાજપના ઉમેદવાર અર્જુન સિંહ અને તૃણમૂલના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત બસપા સુપ્રીમો માયાવતી, સતીશ ચંદ્ર મિશ્રાએ લખનઉમાં મતદાન કર્યું છે. રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહેલા દિનેશ પ્રતાપ સિંહે રાયબરેલીમાં મતદાન કર્યું હતું. નોંધનીય છે કે ૫૪૩ લોકસભા બેઠકોના ચોથા તબક્કા સુધી ૩૮૦ બેઠકો પર મતદાન થઈ ચૂંક્યું છે. આજની બેઠકો સહિત કુલ ૪૨૯ બેઠકો પર મતદાન પૂર્ણ થશે. બાકીના બે તબક્કામાં ૧૧૪ બેઠકો પર મતદાન થશે.

આજે પાંચમા તબક્કામાં મુંબઈમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે ફિલ્મી સ્ટાર્સે પણ મતદાનની ફરજ નિભાવી હતી. અભિનેત્રી જાહનવી કપૂર મુંબઈના મતદાન મથક પર આવી હતી. આ દરમિયાન, તેમણે દરેકને મત આપવાની અપીલ કરી હતી.  આ સિવાય અભિનેતા ફરહાન અખ્તર અને તેની બહેન ઝોયા અખ્તર મુંબઈના મતદાન મથક પર પહોંચીને મત આપ્યો હતો. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ આજે સવારે મતા આપ્યો હતો. આ પછી તેમણે કહ્યું કે 'હું ભારતનો વિકાસ કરવા માંગું છું. મેં આ વિચારસરણી સાથે મત આપ્યો છે.

રિઝર્વ બેંક ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઇમાં પોતાનો મત આપ્યો હતો. વોટિંગ કર્યા પછી, શક્તિકાંત દાસે કહ્યું કે 'આ દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. દેશના ૧૪૦ કરોડ લોકોએ આ દેશની ચૂંટણીમાં ભાગ લેવો એ ગૌરવની વાત છે. હું આ માટે ચૂંટણી પંચ અને તમામ અધિકારીઓને અભિનંદન આપવા માંગું છું. હું શક્ય તેટલી વહેલી તકે મત આપવા માટે સૌથી વધુ વિનંતી કરું છું.' પાંચમા તબક્કા માટે મતદાન શરૃ થયું છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મુંબઇમાં મત આપ્યો છે. આ  ઉપરાંત અક્ષય કુમાર-ફરહાન અખ્તર મતદાન મથક પર મતદાન પર પહોંચ્યા છે. ફરહાન અખ્તરે કહ્યું કે 'મારો મત સુશાસન માટે છે. એક સરકાર જે લોકો માટે કામ કરે છે. આગળ આવો અને મત આપો.' તો બીજી તરફ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પણ મત આપ્યો છે.

આજે પાંચમાં તબક્કામાં ૮ કરોડથી ૯૫ લાખથી પણ વધુ મતદારો ૯૪૭૩૨ મતદાન મથકો પર મત આપ્યા હતા. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો.

લોકસભાના પાંચમાં તબક્કાની ૪૯ લોકસભા બેઠકો માટે કુલ ૬૯૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. ઓડિશાની ૩૫ બેઠકો માટે ૨૬૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.  ઉલ્લેખનીય છે કે ઓડિશા વિધાનસભાની કુલ ૧૪૭ બેઠકો છે. જેમાંથી ૧૩ મેના રોજ પ્રથમ તબક્કા હેઠળ ૨૮ બેઠકો પર મતદાન થયું હતું.

રાજ્ય............... ૫ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન

બિહાર................................................... ૫૨.૩૫%

જમ્મુ અને કાશ્મીર................................. ૫૪.૨૧%

ઝારખંડ................................................. ૬૧.૯૦%

લદ્દાખ................................................... ૬૭.૧૫%

મહારાષ્ટ્ર............................................... ૪૮.૬૬%

ઓડિશા................................................. ૬૦.૫૫%

ઉત્તર પ્રદેશ........................................... ૫૫.૮૦%

પશ્ચિમ બંગાળ........................................ ૭૩.૦૦%

(9:24 PM IST)