<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ચાંદીનો ભાવ હવે 93,000 પ્રતિ કીલોની સપાટીએ પહોંચ્યો : શું હવે એક લાખની ઊંચાઈએ આંબશે ?

ચાંદીમાં તેજી પાછળ અનેક પરિબળો : ઈલેક્ટ્રોનિક્સ અને પાવર સેક્ટરમાં તેનો વ્યાપક ઉપયોગ : ચાંદી એ ઇલેક્ટ્રિક સ્વીચો, સોલાર પેનલ્સ અને RFID ચિપ્સનો મુખ્ય ઘટક

મુંબઈ : ચાંદીની કિંમતમાં સતત તેજી જોવા મળી રહી છે. ચાંદીની કિંમત હવે રૂપિયા 93,000 પ્રતિ કીલોની સપાટીએ પહોંચી છે. તેજીનો આ દોર ત્રણ મહિના અગાઉ શરૂ થયો હતો.14 ફેબ્રુઆરીના રોજ ચાંદીની કિંમતો રૂપિયા 74,000 હતો. જે ત્યારબાદ આશરે 19000 વધ્યો છે.

ભારતીયોનો સોના-ચાંદી પ્રત્યેનો પ્રેમ કોઈ છૂપી વાત નથી. ભૌગોલિક રાજકીય તણાવને કારણે તાજેતરના સમયમાં સોનાના ભાવમાં ઝડપથી વધારો થયો છે. ભારત સહિત વિશ્વભરની સેન્ટ્રલ બેંકો પણ સોનાનો ભંડાર વધારી રહી છે, જેથી ઓચિંતા જ મુશ્કેલીના સંજોગોમાં સ્થિતિનો સામનો કરી શકાય.

હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ (HZL) ભારતમાં ચાંદીની માંગને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેના સીઈઓ અરુણ મિશ્રા કહે છે કે સોનાની કિંમતમાં વધારાને કારણે જ્વેલરી પ્રેમીઓ ચાંદી તરફ વળ્યા છે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો છે. જેના કારણે ચાંદીની માંગ વધી રહી છે અને તેની અસર ભાવ પર પણ જોવા મળી રહી છે.

સોના અને ચાંદીનો એકસાથે ઉલ્લેખ થઈ શકે છે, પરંતુ બંનેને સમાન ગણવામાં આવતા નથી. તેમના ઉપયોગો પણ અલગ અલગ હોય છે. ચાંદી વિશે વાત કરીએ તો, તે સોના કરતાં ઓછી દુર્લભ છે. આ કારણે તેની કિંમત પણ ઓછી છે. જ્વેલરી અને રોકાણ સિવાય સોનાનો વધુ ઉપયોગ થતો નથી. પરંતુ, ચાંદીના ઘરેણાં કરતાં વધુ ઔદ્યોગિક ઉપયોગો છે. ખાસ કરીને, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં.

ચાંદી એ ઇલેક્ટ્રિક સ્વીચો, સોલાર પેનલ્સ અને RFID ચિપ્સનો મુખ્ય ઘટક છે. તેનો ઉપયોગ લગભગ તમામ કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, ઓટોમોબાઈલ અને સાધનોમાં થાય છે. ગયા વર્ષે ચાંદીની વૈશ્વિક માંગ લગભગ 11 ટકા વધી છે.
ઔદ્યોગિક ઉત્પાદનમાં ચાંદીનો વ્યાપક ઉપયોગ થાય છે. મતલબ કે જો અર્થવ્યવસ્થા મજબૂત થશે અને મેન્યુફેક્ચરિંગ વધશે તો ચાંદીની માંગ પણ વધશે અને કિંમતો પણ વધશે. આ વર્ષે વિશ્વભરમાં ચાંદીની માંગ 1.2 અબજ ઔંસ સુધી પહોંચવાની ધારણા છે. જો વૈશ્વિક અર્થતંત્રમાં કોઈ મોટા ઉતાર-ચઢાવ ન આવે તો ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે.
ચાંદીના ભાવ વધવાના ઘણા કારણો છે. હિન્દુસ્તાન ઝિંકના સીઈઓ અરુણ મિશ્રા કહે છે, 'ચાંદીની ઔદ્યોગિક માંગ સતત વધી રહી છે. સોલાર પેનલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને પાવર સેક્ટરમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. મોંઘવારી સામે રક્ષણ આપવામાં પણ ચાંદી મહત્વની ભૂમિકા ભજવે છે. અમારું અનુમાન છે કે ચાંદીના ભાવ ટૂંક સમયમાં ટ્રોય ઔંસ દીઠ $31-32ને વટાવી જશે

(10:47 PM IST)