તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ઉત્તરપ્રદેશમાં બોગસ વોટિંગના મામલે વધુ ચોંકાવનારા ખુલાસા : 25 મેનાં રોજ ફરી થશે મતદાન
તપાસમાં ખ્યાલ આવ્યો કે આ બૂથ પર 69.22 ટકા મતદાન થયું જેમાંથી માત્ર 10 લોકોએ જ વોટર આઈ કાર્ડનો ઉપયોગ કર્યો

ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદ લોકસભા સીટ પર એટાના અલીગંજ વિધાનસભા ક્ષેત્રમાં બોગસ વોટિંગનો વીડિયો વાયરલ થયા બાદ ભારે ચર્ચા જોવા મળી રહી છે. ચૂંટણી પંચની કડક પગલું ભરતા પોલિંગ પાર્ટી સસ્પેન્ડ કરવાની સાથે જ કેસ પણ કર્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળતા કિશોરની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ વચ્ચે તપાસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યાં છે. તપાસમાં ખ્યાલ આવ્યો કે આ બૂથ પર 69.22 ટકા મતદાન થયું છે. જેમાંથી માત્ર 10 લોકોએ જ વોટર આઈ કાર્ડનો ઉપયોગ કર્યો છે. એવામાં અનેક પ્રકારની આશંકાઓ થઈ રહી છે. ચર્ચા એ વાતની પણ છે કે જો કિશોરે પોતે વીડિયો બનાવીને નથી નાખ્યો તો આટલી મોટી ગેરરીતિનો પર્દાફાશ કઈ રીતે થયો છે. વિપક્ષી પાર્ટીઓએ ભાજપની સાથે જ પ્રશાસન સામે આક્ષેપો કર્યાં છે. હાલ પંચે અહીં ફરીથી મતદાનની તારીખની જાહેરાત પણ કરી દીધી છે. અહીં 25 મેનાં રોજ ફરી વોટિંગ થશે.
ફર્રુખાબાદ લોકસભા સીટ પર ચોથા તબક્કામાં 13 મેનાં રોજ વોટિંગ થયું હતું. જેના એક સપ્તાહ બાદ રવિવારે અહીંના અલીગંજ વિધાનસભા ક્ષેત્રના બૂથ ખિરિયા પવારાનના બૂથનો વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં એક કિશોર વારંવાર બૂથમાં જઈને ભાજપના ઉમેદવારને મત આપી રહ્યો છે. આ સાથે જ મોબાઈલ ફોનથી વીડિયો પણ બનાવી રહ્યો છે. તે જે રીતે પોતાના મતદાનને ગણીને જણાવી રહ્યો છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે આ પ્રકારના નકલી વોટિંગનું ટાસ્ક આપવામાં આવ્યું હશે.
વીડિયો સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ચૂંટણી પંચ અને ભાજપને ટાર્ગેટ કર્યું હતું. અખિલેશ યાદવની પોસ્ટને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રિપોસ્ટ કરતા પોતાની સરકાર બન્યા બાદ આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું. જે બાદ આખા પ્રશાસનમાં હડકંપ જોવા મળી રહ્યો છે.
તત્કાલ તપાસ શરુ થઈ અને કેટલાંક કલાકમાં જ બૂથ પર ફરજ પર હાજર આખી પોલિંગ પાર્ટીને સસ્પેન્ડ કરવાની સાથે જ કિશોરની ધરપકડ કરી લેવાઈ છે. પોલિંગ પાર્ટી વિરુદ્ધ પણ કેસ કરીને પોલીસે તપાસ શરુ કરી દીધી છે. તપાસમાં ખ્યાલ આવ્યો કે ત્યાં મતદાન કરનાર માત્ર 10 લોકોએ જ વોટર કાર્ડનો ઉપયોગ કર્યો છે. તેનાથી એમ પણ માનવામાં આવે છે કે મોટી સંખ્યામાં નકલી વોટિંગ અહીં થયું હશે. ત્યારે હવે 25 મેનાં રોજ પુનર્મતદાનમાં ખ્યાલ આવશે કે જે 10 લોકોએ વોટર કાર્ડથી વોટ નાખ્યા તે સિવાય કોઈ અન્ય લોકો પાસે વોટર કાર્ડ ન હતા. આ ઉપરાંત કેટલીક અન્ય વિગત પણ બહાર આવી શકે છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
