News of Saturday, 25th May 2024
વ્યક્તિ એક કલાક ઓછી ઊંઘ લે તો સ્વસ્થ થવામાં ચાર દિવસ લાગી શકે છે
હૈદ્રાબાદના ડોકટરની પોસ્ટ વાઇરલ થઇ જો ઓછી ઊંઘ થાય તો દિવસે એટલો સમય ઊંઘી લેવું એ બીજો શ્રેષ્ઠ વિકલ્પ છે

હૈદ્રાબાદ, તા.૨૫: વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે પૂરતી ઊંઘ લેવાની સલાહ આપવામાં આવે છે. હૈદરાબાદના એક ડૉક્ટરે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ એક કલાક પણ ઓછી ઊંઘ લે તો રિકવર થવામાં ચાર દિવસ લાગી શકે છે. અપોલો હૉસ્પિટલ્સ, હૈદરાબાદના ન્યુરોલૉજિસ્ટ ડૉ. સુધીર કુમારની આ પોસ્ટ વાઇરલ થઈ ગઈ હતી. તેમણે લખ્યું હતું કે અપૂરતી ઊંઘ લેવાથી માથાનો દુખાવો, ફોકસ કરવામાં સમસ્યા, ચીડિયાપણું જેવાં લક્ષણો ઉપરાંત નિર્ણયશક્તિ પણ પ્રભાવિત થઈ શકે છે.
ડૉક્ટરે સ્લીપ-સાઇકલ વિશે કહ્યું કે નવજાત શિશુઓ માટે ૧૪થી ૧૭ કલાક, ૪થી ૧૨ મહિનાનાં બાળકો માટે નૅપ-ટાઇમ ઉપરાંત ૧૨થી ૧૬ કલાક, ૧થી ૫ વર્ષનાં બાળકો માટે નૅપ-ટાઇમ ઉપરાંત ૧૦થી ૧૪ કલાક, ૬થી ૧૨ વર્ષનાં બાળકો માટે ૯થી ૧૨ કલાક, ૧૩થી ૧૮ વર્ષના ટીનેજર્સ માટે ૮થી ૧૦ કલાક અને પુખ્ત વયના લોકો માટે ૭થી ૯ કલાકની ઊંઘ લેવી અનિવાર્ય છે. જો ઓછી ઊંઘ થાય તો દિવસે એટલો સમય ઊંઘી લેવું એ બીજો શ્રેષ્ઠ વિકલ્પ છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
