News of Wednesday, 29th May 2024
નૈઋત્યનું ચોમાસું કેરળ તરફ આગળ વધ્યું : 15 જૂન આસાપાસ ગુજરાતમાં થશે મેઘરાજાનું આગમન
મુંબઈમાં પ્રી-મોન્સૂન વરસાદ શરૂ થઈ શકે: જૂનના પ્રથમ સપ્તાહમાં મુંબઈના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે

અમદાવાદ : ગુજરાત સહિત ઉત્તર-મધ્ય ભારતના ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ભીષણ ગરમીથી ત્રસ્ત લોકો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. જેમના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં નૈઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, નૈઋત્યનું ચોમાસું ગત 22મી મેના રોજ આંદામાન પહોંચ્યા બાદ 6 દિવસ સુધી એક જ સ્થળે સ્થિર રહ્યું હતુ. જો કે હવે સ્થિતિ સાનુકુળ બનતા ચોમાસું કેરળ તરફ આગળ વધ્યું છે. આવતીકાલ સુધી ચોમાસું કેરળ પહોંચી જશે. જે બાદ ધીમે-ધીમે પશ્ચિમ દરિયા કાંઠાના વિસ્તારો તરફ આગળ વધશે.
મે મહિનાના અંતથી ગુજરાતને અડીને આવેલા મુંબઈમાં પ્રી-મોન્સૂન વરસાદ શરૂ થઈ શકે છે. જ્યારે જૂનના પ્રથમ સપ્તાહમાં મુંબઈના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. મુંબઈમાં ચોમાસાના આગમનની સત્તાવાર તારીખ 11 જૂન આપવામાં આવી છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો, આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યના લોકોને ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. જો કે જૂનના બીજા સપ્તાહમાં એટલે કે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે.
નોંધનીય છે કે, ખેડૂતો માટે ચોમાસું ખૂબ જ અગત્યનું હોય છે. હવે ચોમાસા આડે ગણતરીના દિવસો બાકી હોવાથી ખેડૂતોએ પણ વાવેતર માટે પોતાના ખેતરો તૈયાર કર્યાં છે. ચોમાસું સિઝનમાં સૌથી વધુ મગફળીનું વાવેતર થતું હોય છે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
