<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

રાજસ્‍થાન-મધ્‍યપ્રદેશમાં લૂ લાગવાથી ૮ જૈન સંત-સતીજીઓ કાળધર્મ પામ્‍યા

જૈન સમાજ માટે આઘાતજનક દિવસ

રાજકોટ,તા. ૩૦: ૨૬ મે અને ૨૭ મેના બે દિવસમાં રાજસ્‍થાનમાં સાત સાધુ-સાધ્‍વીજી અને મધ્‍યપ્રદેશમાં એક સાધ્‍વી લૂ લાગવાથી કાળધર્મ પામતા દેશભરના જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. કાળધર્મ પામનારા અડધાથી વધુ સાધુ-સાધ્‍વી યુવાન વયનાં છે.

લુ લાગવાથી શ્રમણ શ્રેષ્‍ઠ પૂ.શ્રી ગુણવંત મુનિજી. મ.સા., પૂ.ચિરંજયમુનિ મ.સા., સાધુ માર્ગી સંપ્રદાયના પૂ.સૂર્યપ્રભજી મ.સા., જ્ઞાનગચ્‍છ સંપ્રદાય પૂ.મંજુલાજી મ.સ., પૂ.દયાશ્રીજી મ.સ. ગુજરાતી સંત પૂ.હિતમુનીજી મ.સા., પૂ.હર્ષલાલજી મ.સા.,પૂ. જીજ્ઞાસાશ્રીજી મ.સ. તથા પૂ. નરેન્‍દ્રમુનિજી મ.સા. કાળધર્મ પામ્‍યા છે.

જૈન સમાજનાં સાધુ-સાધ્‍વીજીની એક ખાસિયત હોય છે કે તેઓ ગમે એવી ગરમીમાં પણ ઉપાશ્રયમાં પંખાનો ઉપયોગ કરતા નથી. તેઓ ધખધખતા રસ્‍તા પર ભયંકર ગરમીમાં તેમની ગોચરીની એટલે કે જમવાની વ્‍યવસ્‍થા કરવા માટે ઘેર-ઘેર જાય છે એને કારણે તેમને લૂ લાગી જાય છે. આ સ્‍થિતિમાં પણ જૈન સાધુ-સંતો તેમના નિયમોમાં કોઇ જ બાંધછોડ નથી કરતા.

રાજસ્‍થાનના અહિંસા ક્રાંન્‍તિ વર્તમાનપત્રે આ બાબતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, ‘છેલ્લા થોડા દિવસના હીટ-સ્‍ટ્રોકથી રાજસ્‍થાનમાં સાત અને મધ્‍યપ્રદેશમાં એક જૈન સાધ્‍વી કાળધર્મ પામ્‍યા છે. ફકત ૨૬ મેએ એક જ દિવસમાં અનેક સાધુ-સંતો કાળધર્મ પામ્‍યા છે જે જૈન સમાજ માટે અત્‍યંત આઘાતજનક સમાચાર છે.'

(12:14 PM IST)