<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

પરિણામો ભલે ગમે તે આવે પણ ગુજરાત ભાજપ-સરકારમાં સાફસૂફી નિશ્ચિત

નબળી કામગીરી અને હોમ સ્‍ટેટમાં જ નબળા પર્ફોમન્‍સ સામે કોરડો વિંઝશે એવી ચર્ચાએ પણ જોર પકડયું

નવી દિલ્‍હી,તા. ૩: દેશભરમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ શનિવારે સંપન્ન થઇ અને ૪ જૂનને મંગળવારે બપોર સુધીમાં પરિણામોનું ચિત્ર એકદમ સ્‍પષ્ટ થઇ જશે. આ પરિણામો જાહેર થાય એ પહેલાં વિવિધ ખાનગી એજન્‍સીઓ અને ઇલેક્‍ટ્રોનિક્‍સ માધ્‍યમોએ કરાવેલા એક્‍ઝિટ પોલ સર્વેના તારણમાં દેશમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપ-એનડીએ ત્રીજી વખત સત્તા સંભાળશે એ નિશ્ચિત થયું છે. એ જ રીતે ગુજરાતમાં તમામ ૨૫ બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો વિજયી થશે એવા અનુમાનોથી શાસક પક્ષને એકંદરે હાશકારો થયો છે, પરંતુ રાજકોટ અગ્નિકાંડ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ભાજપ સંગઠન અને સરકારમાં પ્રવર્તતી ખેંચતાણ પર લગામ ખેંચાશે એ નક્કી મનાય છે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગુજરાતના નેતાઓ સાથે અલગ અલગ તથા સંયુક્‍ત રીતે બેઠકો યોજી હતી. હવે તેના પરિણામો આગામી સમયમાં દેખાશે એમ સમજાય છે.

આમ તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ, આપ અને અપક્ષના છ ધારાસભ્‍યોએ રાજીનામા આપીને ભાજપમાં સામેલ થયા હતા. વિસાવદરને બાદ કરતા બાકીની પેટા ચૂંટણી લોકસભાની સામાન્‍ય ચૂંટણી સાથે યોજાઇ હતી. વિસાવદરની વિધાનસભા ચૂંટણીના પરિણામોને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પડકાર્યા હોવાથી કોર્ટ કેસના લીધે એની ચૂંટણી જાહેર થઇ ન હતી. આ સિવાય માણાવદરના અરવિંદ લાડાણી, ખંભાતના ચિરાગ પટેલ, વિજાપુરના સી.જે. ચાવડા, પોરબંદરના અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ, વિસાદરના ભૂપત ભાયાણી આપ તથા વાઘોડિયાના અપક્ષ ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા ધારાસભ્‍ય પદેથી રાજીનામા આપી ભાજપમાં સામેલ થઇ ચૂંટણી લડ્‍યા હતા. વિસાવદરના ભૂપત ભાયાણીએ સૌથી પહેલાં રાજીનામુ આપ્‍યુ હતું, પરંતુ ચૂંટણી જાહેર ન થતાં હાલ લટકી પડ્‍યા છે. હવે આ પાંચ ભાજપના ધારાસભ્‍યો બન્‍યા પછી પોરબંદરના અર્જુન મોઢવાડિયાને મંત્રીમંડળમાં સ્‍થાન મળે એવી અટકળો તેજ છે. અલબત્ત, મોઢવાડિયાને ભાજપમાં જોડાવા સામે કોઇ કમિટમેન્‍ટ અપાયું હોય એવું પ્રદેશના નેતાઓ માનતા નથી. જોકે, આખરી નિર્ણય રાષ્ટ્રીય નેતાઓ દ્વારા થવાનો છે. આ તમામ અટકળો વચ્‍ચે ગયા વર્ષે યોજાયેલી  બેઠકમાં કેટલાક મંત્રીઓની નબળી કામગીરીને લઇને જે સૂચનાઓ અપાઇ હતી, તેનું વિશ્‍લેષણ લોકસભા ચૂંટણીના પરિણામો પછી થશે.

 લોકસભાની ચૂંટણીમાં મંત્રીમંડળના અડધો ડઝનથી વધારે મંત્રીઓ પોતાના મતવિસ્‍તારમાં ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી જેટલું પણ મતદાન કરાવવામાં સફળ રહ્યા નથી ત્‍યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તમામ ધારાસભ્‍યોને એક એક લાખની લીડનો લક્ષ્ય આપ્‍યો હતો. ત્‍યારે હવે નબળી કામગીરી અને હોમ સ્‍ટેટમાં જ નબળા પર્ફોમન્‍સ સામે કોરડો વિંઝશે એવી ચર્ચાએ પણ જોર પકડ્‍યું છે. જોકે, ભાજપના એક જવાબદાર નેતાએ કહ્યું કે, હાલ દેશમાં સરકારની રચના પછી એકસો દિવસના એજન્‍ડાને જાહેર કરશે આ પછી રાજયનો મામલો હાથ પર લેવાશે. જે કોઇ ફેરફાર એ તત્‍કાળ થશે નહીં.

(10:21 AM IST)