<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

પરિણામ પહેલાં જ મોદી સરકારે ત્રીજી ટર્મનું કામ શરૂ કર્યું

વડા પ્રધાને ૭ મીટિંગ કરીને અધિકારીઓ સાથે ૧૦૦ દિવસના કાર્યક્રમની કરી ચર્ચા

નવી દિલ્‍હી,તા. ૩: વડાપ્રધાન મોદીએ ગઈ કાલે આખો દિવસ અનેક વિષયો આધારિત ૭ જેટલી બેઠકો કરી હતી જેમાં નવી સરકારના પહેલા ૧૦૦ દિવસના કાર્યક્રમો વિશેની વાતનો પણ સમાવેશ છે. ચૂંટણીની જાહેરાત સાથે જ વડા પ્રધાન મોદીએ વિવિધ મિનિસ્‍ટ્રીઓને પહેલા ૧૦૦ દિવસમાં શું કામ કરવામાં આવશે એનો એજન્‍ડા તૈયાર કરવા જણાવ્‍યું હતું. કેન્‍દ્રીય પ્રધાનોને પણ પ્રોગ્રામ તૈયાર કરવા જણાવવામાં આવ્‍યું છે.

એક્‍ઝિટ પોલનાં તારણો મુજબ કેન્‍દ્રમાં ત્રીજી વાર મોદી સરકાર આવી રહી હોવાના પગલે સરકાર એના ત્રીજા ટર્મમાં પહેલા ૧૦૦ દિવસમાં શું કરવા માગે છે એ વિશે સમીક્ષા થઈ હતી.

પહેલી બેઠકમાં વડા પ્રધાને રેમલ ચક્રવાત બાદની પરિસ્‍થિતિની સમીક્ષા કરી હતી અને પૂર્વોત્તર રાજયોની સ્‍થિતિની ચર્ચા કરી હતી. આ રાજયોમાં પૂરના કારણે પણ ઘણા લોકોનાં મૃત્‍યુ થયાં હતાં.

વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ હવામાન ખાતાના અધિકારીઓ સાથે હીટવેવ અને ચક્રવાતના મુદ્દે બેઠક કરી હતી. તેમણે ભીષણ ગરમીમાં આગ અને શોર્ટ સર્કિટની બની રહેલી ઘટનાઓ કેવી રીતે રોકવી અને આના માટે કયાં પગલાં લેવાં એની ચર્ચા કરી હતી.

હવામાન વિભાગે આ વર્ષે ગરમી પડવાની આગાહી કરી છે અને તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન ખાતાના અધિકારીઓએ આગાહી વિશે વડા પ્રધાનને જાણકારી આપી હતી અને જણાવ્‍યું હતું કે જૂન મહિનામાં રાજસ્‍થાન, ગુજરાત અને મધ્‍ય પ્રદેશમાં હીટવેવની સંભાવના છે. આ સિવાય મોન્‍સૂન સામાન્‍ય રહેવાની આગાહી છે. આ બેઠકમાં વડા પ્રધાને નિર્દેશ આપ્‍યા હતા કે આગ અને વીજળીથી બચવા માટે હોસ્‍પિટલો અને સાર્વજનિક જગ્‍યાએ લગાતાર તપાસ કરવાની જરૂર છે

આ બેઠકમાં વડા પ્રધાનના સેક્રેટરી, કેબિનેટ સેક્રેટરી, હોમ સેક્રેટરી, અર્થ સાયન્‍સ વિભાગના સેક્રેટરી સહિત અનેક સિનિયર અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. પાંચમી જૂને વર્લ્‍ડ એન્‍વાયર્નમેન્‍ટ ડેની ઉજવણીની તૈયારી વિશે બેઠકમાં ચર્ચા થઈ હતી. ચોથી જૂને પરિણામો બાદ આ પહેલો પ્રોગ્રામ હશે.

(10:29 AM IST)