<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

લોકસભાના ચૂંટણી પરિણામમાં થોડો પણ ઉલટફેર થતા જ શેરબજારમાં થઈ શકે બંધ:જાણો શું છે સર્કિટ બ્રેકર ?

બજારમાં 10 ટકા, 15 ટકા અને 20 ટકાની વધઘટ થતા સર્કિટ બ્રેકર તમામ ઈક્વિટી અને ઈક્વિટી ડેરીવેટીવ્ઝ માર્કેટમાં કામકાજને તબક્કાવાર રીતે બંધ કરશે

નવી દિલ્હી : આવતીકાલે લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત થશે. એક્ઝિટ પોલ્સના તારણો પર બજાર તરફથી જે પ્રતિક્રિયા મળી છે તેને જોતા સ્પષ્ટ થઈ ગયું છે કે પરિણામોની બજાર પર કેટલી અસર રહે છે.

સૌથી મોટી આશંકા મોટા ઉલટફેરને લઈ છે. આજની તેજીના સંકેત આપી રહ્યા છે કે બજારને કોઈ આશંકા ઓછી છે, પણ એક્ચસેન્જ તમામ આશંકા માટે હંમેશા તૈયાર હોય છે. આવી કોઈ સ્થિતિમાં બજારમાં આવતી ભારે વધઘટથી રોકાણકારોને બચાવવા માટે સર્કિટ બ્રેકર લગાવવામાં આવે છે. મંગળવારે પણ આ સર્કિટ બ્રેકર એક્ટિવ રહેશે.

સર્કિટ બ્રેકર શું છે

એક્સચેન્જે ઈન્ડેક્સ-બેઝ્ડ માર્કેટ વાઈડ સર્કિટ બ્રેકર 2 જુલાઈ 2001ના રોજ લાગૂ કર્યાં હતા. આ બ્રેકર ઈન્ડેક્સની મૂવમેન્ટને નિયંત્રિત રાખવા માટે 3 સ્ટેજ પર લગાવવામાં આવે છે. બજારમાં 10 ટકા, 15 ટકા અને 20 ટકાની વધઘટ આવવાના સંજોગોમાં સર્કિટ બ્રેકર તમામ ઈક્વિટી અને ઈક્વિટી ડેરીવેટીવ્ઝ માર્કેટમાં કામકાજને તબક્કાવાર રીતે બંધ કરે છે.

સર્કિટ બ્રેકર ત્યારે ટ્રિગર થાય છે કે જ્યારે સેન્સેક્સ અથવા નિફ્ટીમાં કોઈ પણ આ લેવલને અગાઉથી તોડી નાંખે છે. દરેક લેવલ પર કારોબારને બંધ થવા તથા ફરીથી શરૂ કરવા માટે નિયમ નક્કી રહે છે.

મંગળવારે કેવી રીતે કામ કરશે સર્કિટ બ્રેકર-

જો બપોરના 1 વાગ્યા અગાઉ 10 ટકાની ટ્રિગર લિમિટ હિટ થાય છે એટલે કે ઈન્ડેક્સ અથવા 10 ટકા તૂટે છે અથવા 10 ટકા વધે છે તો બજારમાં 45 મિનિટ માટે કામકાજ બંધ કરી દેવામા આવશે. આ સ્થિતિમાં કામકાજ બંધ થયા બાદ પ્રી-ઓપન કોલ ઓક્શન સેશન 15 મિનિટનું રહેશે.

એવી જ રીતે બપોરે 1 વાગ્યાથી 2.30 વાગ્યા વચ્ચે 10 ટકાનું ટ્રિગર હિટ થાય છે તો કામકાજ 15 મિનિટ માટે બંધ થશે, 2.30 વાગ્યા બાદ આ ટ્રિગર હિટ થાય છે તો કારોબાર અટકાવવામાં આવશે નહીં.

15 ટકાની લિમિટ જો બપોરે 1 વાગ્યા અગાઉ ટ્રિગર હિટ થાય છે તો બજાર એક કલાક 45 મિનિટ બંધ રહેશે. જ્યારે બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા વચ્ચે તે ટ્રિગર હિટ થાય છે તો 45 મિનિટ માટે બંધ રહેશે. 2 વાગ્યા બાદ આ ટ્રિગર હિટ થાય છે તો બજાર સત્ર માટે બંધ કરવામાં આવશે અને ત્યારપછીના સત્રમાં જ ટ્રેડિંગ થશે.

આગામી સત્ર માટે કોઈ પણ સમયે બજારમાં 20 ટકાની સર્કિટ લિમિટ ટ્રિગર થાય છે તો કારોબાર તે સત્ર માટે બંધ કરવામાં આવશે.

(8:57 PM IST)