<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

મૈનપુરી બેઠક પર અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવનો 2.20 લાખ મતોથી વિજય

ત્રણ દાયકાથી આ બેઠક પર સમાજવાદી પાર્ટીનો કબ્જો

ઉત્તર પ્રદેશની મૈનપુરી બેઠક પરથી ડીમ્પલ યાદવની જીત થઈ છે. મહત્વનું છે કે, રાજ્યની રાજધાની લખનૌથી લગભગ 220 કિમી દૂર મૈનપુરી સમાજવાદી પાર્ટીનો ગઢ છે. સમાજવાદી પાર્ટી લગભગ ત્રણ દાયકાથી આ બેઠક પર કબજો જમાવી બેઠી છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં એસપીએ જે પાંચ બેઠકો જીતી હતી તેમાંથી આ એક બેઠક હતી

  મૈનપુરી સંસદીય મતવિસ્તારમાં પાંચ વિધાનસભા ક્ષેત્રો-મૈનપુરી, ભોગાંવ, કિશની, કરહલ અને જસવંત નગરનો સમાવેશ થાય છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં સપાએ કરહલ, કિશની અને જસવંત નગર બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે મૈનપુરી અને ભોગાંવ બેઠકો જીતી હતી. અખિલેશ યાદવ કરહલ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તેમના કાકા શિવપાલ સિંહ યાદવ જસવંત નગરના ધારાસભ્ય છે

  મૈનપુરીમાં 3.5 લાખ જેટલા મતદારો છે. અહીં 1.5 લાખથી વધુ ઠાકુર, 1.2 લાખ બ્રાહ્મણ, 60,000 શાક્ય, 1.4 લાખ જાટવ અને એક લાખથી વધુ લોધ છે. લગભગ એક લાખ મુસ્લિમ અને કુર્મી મતદારો પણ છે.  

આ બેઠક 1996 થી એસપી પાસે છે, જ્યારે મુલાયમ સિંહ યાદવ અહીંથી પ્રથમ વખત જીત્યા હતા. બલરામ સિંહ યાદવ 1998 અને 1999માં જીત્યા હતા. મુલાયમ સિંહ યાદવે 2004,2009 અને 2014 અને 2019માં સતત આ બેઠક પર જીત મેળવી હતી. તેમના નિધન બાદ આ સીટ ખાલી પડી ત્યારે ડિમ્પલ યાદવ આ બેઠક પરથી પેટાચૂંટણી લડ્યા અને 2 લાખથી વધુ મતોથી જીતીને આ સીટ તેમના પરિવાર પાસે જાળવી રાખી.

2024ની આ વખતની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર ઇન્ડિયા ગઠબંધન તરફથી સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ અને ભાજપ તરફથી જયવીરસિંહ વચ્ચે જંગ છે.

ડિમ્પલ યાદવ યુપીના સૌથી મોટા રાજકીય પરિવારમાંથી આવે છે. તેઓ મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અને અખિલેશ યાદવની પત્ની છે. તેમની રાજકીય સફર બહુ લાંબી નથી પરંતુ તેમાં ઘણા વળાંક છે. ડિમ્પલ રામ મનોહર લોહિયાને પોતાનો આદર્શ માને છે. જ્યારે તેમણે પોતાની પ્રથમ ચૂંટણી લડી ત્યારે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં તેમણે હિંમત ગુમાવી ન હતી અને સંયમ સાથે આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. હકીકતમાં, 2009ની લોકસભાની ચૂંટણીમાં, અખિલેશ યાદવે ફિરોઝાબાદ અને કન્નૌજ એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી, જેમાં બંને બેઠકો પર અખિલેશ જીત્યા હતા. અખિલેશે ફિરોઝાબાદ બેઠક પરથી પોતાના પત્ની ડિમ્પલ યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. દરેકને આશા હતી કે ડિમ્પલ આ બેઠક જીતશે પરંતુ કોંગ્રેસ નેતા રાજ બબ્બરે તેમને આ બેઠક પરથી હરાવ્યા હતા.

(7:34 PM IST)